Tamil Nadu: જે.સી.ડી. પ્રભાકર બન્યા સ્પીકર: વિજય સરકારના સમર્થનમાં ઉતરી વિપક્ષી પાર્ટીઓ
તમિલનાડુના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. અભિનેતામાંથી નેતા બનેલા વિજયે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ હવે તેમનો અસલી પડકાર આજે એટલે કે 13 મે ના રોજ શરૂ થઈ રહ્યો છે. ‘તમિલગા વેત્રી કઝગમ’ (TVK) ના પ્રમુખ વિજય માટે આજનો દિવસ નિર્ણાયક છે, કારણ કે આજે વિધાનસભામાં તેમની સરકારનું બહુમત પરીક્ષણ (Floor Test) યોજાવા જઈ રહ્યું છે.

બેઠકોનું ગણિત અને ગઠબંધન
234 સભ્યોની તમિલનાડુ વિધાનસભામાં બહુમતી માટે 118 બેઠકોની જરૂર છે. વિજયની પાર્ટી TVK 108 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, પરંતુ તે જાદુઈ આંકડાથી 10 બેઠકો પાછળ રહી ગઈ હતી. જોકે, અન્ય નાની પાર્ટીઓના સમર્થનથી વિજયે ગઠબંધન સરકાર બનાવી છે. આજનો દિવસ એ સાબિત કરવાનો છે કે આ ગઠબંધન કેટલું મજબૂત છે.
સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની વરણી
સત્તાવાર કાર્યવાહીના ભાગરૂપે, 17મી વિધાનસભાના સત્રમાં TVK ના જે.સી.ડી. પ્રભાકર ને બિનહરીફ સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમની સાથે રવિશંકર ડેપ્યુટી સ્પીકર બન્યા છે. કોઈ પણ વિરોધ પક્ષે આ પદો માટે ઉમેદવાર ઉભા ન રાખતા આ પસંદગી પ્રક્રિયા અત્યંત શાંતિપૂર્ણ રહી હતી.

વિધાનસભાની પરંપરા મુજબ, પ્રોટેમ સ્પીકર કરુપ્પૈયા અને વિરોધ પક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિન સ્પીકર પ્રભાકરને સન્માનપૂર્વક અધ્યક્ષની ખુરશી સુધી લઈ ગયા હતા. આ દ્રશ્ય તમિલનાડુના લોકતાંત્રિક શિષ્ટાચારનું પ્રતીક બન્યું હતું.
શપથ ગ્રહણ અને રાજકીય માહોલ
રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર દ્વારા પ્રોટેમ સ્પીકર તરીકે કરુપ્પૈયાને શપથ અપાવ્યા બાદ સોમવારથી સત્રનો પ્રારંભ થયો હતો. મુખ્યમંત્રી ચંદ્રશેખર જોસેફ વિજય, વિપક્ષી નેતા ઉદયનિધિ સ્ટાલિન અને અન્ય ધારાસભ્યોએ પદના શપથ લીધા હતા. ખાસ વાત એ રહી કે AMMK ના ધારાસભ્ય કામરાજે જાહેરમાં વિજય સરકારને સમર્થન જાહેર કર્યું છે, જેનાથી વિજયની સ્થિતિ વધુ મજબૂત દેખાઈ રહી છે.
પ્રથમ મોટો નિર્ણય: દારૂબંધી તરફ ડગલું
મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળતાની સાથે જ વિજયે પોતાની લોકપ્રિયતા અને જનહિત પ્રત્યેની પ્રતિબદ્ધતા સાબિત કરી છે. તેમણે રાજ્યમાં ધાર્મિક સ્થળો, શાળાઓ અને બસ સ્ટેન્ડની નજીક આવેલી 717 દારૂની દુકાનો ને બે અઠવાડિયામાં બંધ કરવાનો કડક આદેશ આપ્યો છે.
બંધ થનારી દુકાનોની વિગતો:
ધાર્મિક સ્થળો પાસે: 276
શૈક્ષણિક સંસ્થાઓ પાસે: 186
બસ સ્ટેન્ડની આસપાસ: 255
આ નિર્ણયને જનતા દ્વારા વ્યાપક આવકાર મળી રહ્યો છે અને તેને વિજય સરકારના ‘ક્લીન ગવર્નન્સ’ ના વિઝન તરીકે જોવામાં આવે છે.
