Low Battery Anxiety: 75 કરોડ યુઝર્સ અને એક મોટી ચિંતા: શું તમને પણ ફોનની બેટરી 50% થતા ટેન્શન થાય છે?
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા શરીરના એક અંગ સમાન બની ગયો છે. પરંતુ શું તમે જાણો છો કે આ ફોન માત્ર સુવિધા જ નહીં, પણ માનસિક તણાવનું કારણ પણ બની રહ્યો છે? જો તમારા ફોનની બેટરી ઓછી થતા તમને ગભરામણ કે ટેન્શન થવા લાગે, તો તમે એકલા નથી. ભારત જેવા વિશાળ સ્માર્ટફોન માર્કેટમાં દર 10માંથી 9 લોકો આ સમસ્યાથી પીડાય છે.

બેટરી અને એન્ઝાયટી વચ્ચેનો સંબંધ
કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ અને ફ્લિપકાર્ટના તાજેતરના અહેવાલમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. રિપોર્ટ અનુસાર, ભારતના લગભગ 90 ટકા મોબાઈલ યુઝર્સ એવા છે જેમના ફોનની બેટરી 30-50 ટકાની વચ્ચે પહોંચે કે તરત જ તેમની ચિંતા વધવા લાગે છે. આ સ્થિતિને ટેકનિકલ ભાષામાં ‘લો બેટરી એન્ઝાયટી’ કહેવામાં આવે છે.
સર્વેમાં સામે આવ્યું છે કે:
90% લોકો દિવસમાં ઓછામાં ઓછું બે વાર ફોન ચાર્જ કરે છે.
40% યુઝર્સ એવા છે જે ફોન ચાર્જિંગમાં મૂક્યો હોય ત્યારે પણ તેનો ઉપયોગ કરવાનું છોડતા નથી.
65% લોકો માત્ર એટલા માટે નવો ફોન ખરીદવા તૈયાર છે કારણ કે તેમને તેમના વર્તમાન ફોનમાં સારી બેટરી લાઈફ જોઈતી હોય છે.
ડિજિટલ વ્યસન અને જીવનશૈલી
ભારત 75 કરોડ મોબાઈલ યુઝર્સ સાથે વિશ્વનું બીજું સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ છે. અહીં લોકો સવારે જાગતાની સાથે જ પહેલું કામ ફોન જોવાનું કરે છે અને રાત્રે ઊંઘતા પહેલા પણ ફોન તેમની છેલ્લી સંગત હોય છે. 40 ટકા યુઝર્સ આ આદત ધરાવે છે, જે ઊંઘની ગુણવત્તા અને માનસિક શાંતિ પર પ્રતિકૂળ અસર કરે છે.

નવો ટ્રેન્ડ: કેમેરા બાદ હવે AI ફીચર્સનું વર્ચસ્વ
અત્યાર સુધી લોકો નવો સ્માર્ટફોન ખરીદતી વખતે કેમેરા મેગાપિક્સલ અને બેટરીની ક્ષમતા જોતા હતા, પરંતુ હવે પ્રાથમિકતા બદલાઈ છે. હવે લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફીચર્સ જોઈને ફોન ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.
રિપોર્ટ મુજબ, 89 ટકા ખરીદદારો માટે AI ફીચર્સ હવે ‘ડિસાઈડિંગ ફેક્ટર’ બની ગયા છે. રસપ્રદ વાત એ છે કે માત્ર પ્રીમિયમ ફોન જ નહીં, પણ ₹15,000 થી ₹20,000 ના બજેટ સેગમેન્ટમાં પણ લોકો AI ફીચર્સની માંગ કરી રહ્યા છે.
કોણ કેવી રીતે કરે છે AI નો ઉપયોગ?
Gen Z (નવી પેઢી): આ પેઢી મુખ્યત્વે કન્ટેન્ટ ક્રિએશન, ફોટો એડિટિંગ અને એન્ટરટેઈનમેન્ટ માટે AI નો ઉપયોગ કરે છે.
મિલેનિયલ્સ (યુવા વર્ગ): આ વર્ગ ઓફિસ વર્ક, ઉત્પાદકતા વધારવા અને પ્લાનિંગ માટે AI ટૂલ્સ પર નિર્ભર છે.
મહિલાઓ: મહિલા યુઝર્સ રોજિંદા કામમાં મદદરૂપ થાય તેવા AI ફીચર્સ અને લાઈફસ્ટાઈલ જરૂરિયાતો માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે.
