NCLAT: અદાણી એન્ટરપ્રાઈઝની મોટી જીત: ₹14,535 કરોડમાં જયપ્રકાશ એસોસિએટ્સનું થશે ટેકઓવર, કોર્ટે આપી મંજૂરી
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLAT) ના તાજેતરના ચુકાદાએ કોર્પોરેટ જગતમાં મોટી હલચલ મચાવી છે. અદાણી ગ્રુપ માટે હવે જયપ્રકાશ એસોસિએટ્સ (JAL) ના અધિગ્રહણનો માર્ગ લગભગ મોકળો થઈ ગયો છે. વેદાંત લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ ફગાવી દેવાતા અદાણી એન્ટરપ્રાઈઝ માટે આ એક મોટી કાયદાકીય જીત માનવામાં આવે છે.

સોમવારે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) એ વેદાંત લિમિટેડની એ બંને અરજીઓને ફગાવી દીધી છે જેમાં અદાણી ગ્રુપની પસંદગીને પડકારવામાં આવી હતી. જસ્ટિસ અશોક ભૂષણ અને ટેકનિકલ સભ્ય બરુણ મિત્રાની બેન્ચે સ્પષ્ટ કર્યું કે, “NCLTના આદેશમાં દખલ કરવા માટે વેદાંત દ્વારા કોઈ મજબૂત આધાર રજૂ કરવામાં આવ્યો નથી. આ અપીલમાં કોઈ દમ નથી, તેથી તેને રદ કરવામાં આવે છે.”
વેદાંતની દલીલો અને કોર્ટનું અવલોકન
વેદાંત લિમિટેડે દલીલ કરી હતી કે તેમની બોલી અદાણી એન્ટરપ્રાઈઝ કરતા આર્થિક રીતે વધુ સારી હતી. વેદાંતના મતે:
તેમની બોલી કુલ મૂલ્યની દ્રષ્ટિએ ₹3,400 કરોડ વધારે હતી.
નેટ પ્રેઝન્ટ વેલ્યુ (NPV) ના આધારે પણ તેઓ અદાણી કરતા ₹500 કરોડ આગળ હતા.
જોકે, NCLAT એ આ દલીલોને નકારી કાઢતા જણાવ્યું કે, લેણદારોની સમિતિ (CoC) નો નિર્ણય માત્ર રકમ પર જ નહીં, પરંતુ બિઝનેસ પ્લાનની વ્યાવહારિકતા અને ક્ષમતાના ‘એકંદર મૂલ્યાંકન’ પર આધારિત હોય છે. CoC દ્વારા લેવામાં આવેલો નિર્ણય ‘વ્યાવસાયિક સમજ’ (Commercial Wisdom) નો ભાગ છે અને તેને મનસ્વી કહી શકાય નહીં.

₹14,535 કરોડની બોલી સાથે અદાણીની જીત
જયપ્રકાશ એસોસિએટ્સ માટે ચાલી રહેલી બિડિંગ પ્રક્રિયામાં અદાણી એન્ટરપ્રાઈઝે વેદાંત લિમિટેડ અને ડાલમિયા ભારત જેવી દિગ્ગજ કંપનીઓને પાછળ છોડી દીધી હતી. અદાણીની ₹14,535 કરોડની બોલીને બેંકો અને લેણદારોના 89% મતો મળ્યા હતા. 17 માર્ચના રોજ અલ્હાબાદ બેન્ચે આ અધિગ્રહણને મંજૂરી આપી હતી, જેની સામે વેદાંતે સુપ્રીમ કોર્ટ અને NCLATમાં ધા નાખી હતી, પરંતુ બંને જગ્યાએ તેમને નિરાશા સાપડી છે.
કેમ મહત્વનું છે જયપ્રકાશ એસોસિએટ્સનું અધિગ્રહણ?
જયપ્રકાશ એસોસિએટ્સ (JAL) એ જેપી ગ્રુપની મુખ્ય કંપની છે, જે જૂન 2024 થી નાદાર જાહેર થઈ હતી. કંપની પર કુલ ₹57,185 કરોડનું દેવું છે. અદાણી ગ્રુપ માટે આ કંપનીનું અધિગ્રહણ વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વનું છે કારણ કે:
રિયલ એસ્ટેટ: ગ્રેટર નોઈડામાં ‘જેપી ગ્રીન્સ’ જેવી પ્રીમિયમ રિયલ એસ્ટેટ પરિયોજનાઓ હવે અદાણીના નેજા હેઠળ આવશે.
સીમેન્ટ પ્લાન્ટ્સ: મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં આવેલા 4 મોટા સીમેન્ટ પ્લાન્ટ્સ અને ચૂનાના પથ્થરની ખાણો અદાણીના સીમેન્ટ પોર્ટફોલિયોને મજબૂત કરશે.
સબસિડિયરી કંપનીઓ: જેપી પાવર વેન્ચર્સ અને યમુના એક્સપ્રેસવે ટોલિંગ જેવી કંપનીઓમાં પણ અદાણીને હિસ્સો મળશે.
