Adani Group: લગ્નની 40મી વર્ષગાંઠ અને મજૂર દિવસ: કેદારનાથમાં ગૌતમ અદાણીએ લીધા રાષ્ટ્ર સેવાના શપથ.
આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના વિશેષ અવસરે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેમના હજારો કર્મચારીઓને સંબોધતા એક અત્યંત પ્રેરણાદાયી અને અંગત સંદેશ આપ્યો હતો. તેમણે આ સંવાદને ‘અપની બાત, અપનોં કે સાથ’ નામ આપ્યું છે. આ કાર્યક્રમ દ્વારા તેમણે કર્મચારીઓ સાથે માત્ર એક બોસ તરીકે નહીં, પણ પરિવારના વડા તરીકે વાત કરી હતી.

જીવનની ફિલસૂફી: ગઈકાલ, આજ અને આવતીકાલ
ગૌતમ અદાણીએ જણાવ્યું કે જીવન એ ‘ગઈકાલ, આજ અને આવતીકાલ’ ની એક નિરંતર યાત્રા છે. આપણે ભૂતકાળના અનુભવોમાંથી શીખીએ છીએ, વર્તમાનમાં મહેનત કરીએ છીએ અને ભવિષ્યને આકાર આપીએ છીએ. અદાણી ગ્રુપની સફળતા પાછળ પણ આ જ વિચારધારા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે એક સંગઠન તરીકે આપણે આપણા વિચારો ખુલીને શેર કરવા જોઈએ જેથી રોકાણકારો (stakeholders) અને કર્મચારીઓ વધુ સક્ષમ બની શકે.
શ્રમિક દિવસ: પરસેવાની તાકાતનો ઉત્સવ
મજૂર દિવસના મહત્વ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું, “આજે આપણો દિવસ છે. દરેક એ વ્યક્તિ જે મહેનત પર વિશ્વાસ રાખે છે, જે મુશ્કેલીઓથી ડરવાને બદલે તેની સામે ઝઝૂમતા શીખે છે, આ દિવસ તેનો છે.” તેમના મતે આ દિવસ માત્ર એક તારીખ નથી, પરંતુ એ માનવીય જુસ્સાની ઉજવણી છે જે સપનાને હકીકતમાં બદલવાની શક્તિ ધરાવે છે.
લગ્નની 40મી વર્ષગાંઠ અને કેદારનાથના આશીર્વાદ
આ દિવસ ગૌતમ અદાણી માટે વ્યક્તિગત રીતે પણ ખૂબ ખાસ હતો. 1 મે, 1986ના રોજ તેઓ પ્રીતિ અદાણી સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. લગ્નના 40 વર્ષ પૂર્ણ થતા તેમણે સવારે પત્ની સાથે કેદારનાથ ધામ જઈને મહાદેવના આશીર્વાદ લીધા હતા. તેમણે ઈશ્વરનો આભાર માન્યો કે તેમને ભારત જેવા મહાન દેશમાં જન્મ લેવાની અને દેશસેવા કરવાની તક મળી.
વિકસિત ભારત @2047: રાષ્ટ્ર નિર્માણમાં ફાળો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047’ ના સંકલ્પ વિશે વાત કરતા તેમણે કહ્યું કે આ લક્ષ્ય માત્ર સરકારનું નથી, પણ 140 કરોડ ભારતીયોનું છે. અદાણી ગ્રુપ આ યાત્રામાં પાયાની ભૂમિકા ભજવવા માટે પ્રતિબદ્ધ છે.
“તમારું યોગદાન કેટલું મોટું કે નાનું છે તે મહત્વનું નથી, પરંતુ તમે યોગદાન આપ્યું કે નહીં તે સૌથી મહત્વનું છે. જ્યારે આપણે કોઈ પ્રોજેક્ટ પૂરો કરીએ છીએ, ત્યારે આપણે માત્ર નોકરી નથી કરતા, પણ દેશના ભવિષ્યને આકાર આપીએ છીએ.”
મુન્દ્રાનું ઉદાહરણ: રેતીમાંથી સામ્રાજ્ય
પોતાના સંબોધનમાં તેમણે મુન્દ્રા પોર્ટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, એક સમયે ત્યાં માત્ર રેતી અને ખાલી જમીન હતી. આજે તે ભારતનું સૌથી મોટું પોર્ટ છે જે દેશના વેપારને વૈશ્વિક સ્તરે વેગ આપી રહ્યું છે. આ પરિવર્તન એ દરેક કર્મચારીની મહેનત અને રાષ્ટ્ર નિર્માણના વિઝનનું પરિણામ છે.
