Credit Card: ક્રેડિટ કાર્ડ રિકવરીના નામે મારપીટ? ગ્રાહકો પાસે છે આ કાયદાકીય હથિયાર
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક હૃદયદ્રાવક વીડિયો વાયરલ થયો છે, જેમાં કેટલાક લોકો એક વ્યક્તિને જાહેરમાં નિર્દયતાથી ફટકારી રહ્યા છે. વીડિયોમાં તે વ્યક્તિની પત્ની તેને બચાવવા માટે આજીજી કરતી જોવા મળે છે. અહેવાલો અનુસાર, આ માર મારનારા લોકો ક્રેડિટ કાર્ડ રિકવરી એજન્ટ્સ હતા, જે બાકી પેમેન્ટ લેવા આવ્યા હતા. આ ઘટનાએ દેશભરમાં એક નવી ચર્ચા છેડી દીધી છે: શું બેંકના એજન્ટોને ગ્રાહકો સાથે આવું વર્તન કરવાનો કોઈ કાયદાકીય અધિકાર છે?

શું છે સમગ્ર મામલો? વીડિયો વાયરલ થયા પછી લોકો બે જૂથોમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો એજન્ટોની ગુંડાગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે, જ્યારે કેટલાક માને છે કે જો લોન લીધી હોય તો સમયસર ચૂકવવી જોઈએ. જોકે, કોઈ પણ સંજોગોમાં શારીરિક હિંસાને ન્યાયી ઠેરવી શકાય નહીં. આ ઘટના બાદ ભારતીય રિઝર્વ બેંક (RBI) ની માર્ગદર્શિકા પર ફરીથી પ્રકાશ પાડવો જરૂરી બન્યો છે.
રિકવરી એજન્ટ્સ માટે RBIના કડક નિયમો ભારતીય રિઝર્વ બેંકે ગ્રાહકોના રક્ષણ માટે ખૂબ જ સ્પષ્ટ નિયમો બનાવ્યા છે. જો કોઈ રિકવરી એજન્ટ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો બેંક પર પણ દંડ લાદવામાં આવી શકે છે.
૧. શારીરિક કે માનસિક ઉત્પીડન પર પ્રતિબંધ: RBIના નિયમો મુજબ, કોઈ પણ રિકવરી એજન્ટ ગ્રાહક સાથે મારપીટ, ગેરવર્તણૂક કે અપશબ્દોનો ઉપયોગ કરી શકતો નથી. તેઓ ગ્રાહકને ડરાવી-ધમકાવી શકતા નથી.
૨. સમય મર્યાદાનું પાલન: એજન્ટો ગ્રાહકોને ગમે ત્યારે ફોન કરી શકતા નથી. ફોન કરવાનો કે ઘરે જવાનો સમય સવારે ૮:૦૦ થી સાંજના ૭:૦૦ વાગ્યા સુધીનો જ નક્કી કરવામાં આવ્યો છે. રાત્રિના સમયે કે મોડી સાંજે કરવામાં આવતા કોલ કાયદેસર રીતે ખોટા છે.
૩. ઓળખપત્ર અને પૂર્વ સૂચના: રિકવરી એજન્ટ સીધા તમારા ઘરે ધસી આવી શકે નહીં. તેમણે અગાઉથી ગ્રાહકને જાણ કરવી પડે છે. જ્યારે તેઓ ઘરે આવે, ત્યારે તેમની પાસે બેંક દ્વારા આપવામાં આવેલ ઓથોરાઈઝેશન લેટર અને પોતાનું આઈડી કાર્ડ હોવું ફરજિયાત છે.
૪. ગોપનીયતાનો અધિકાર: બેંક કે એજન્ટ ગ્રાહકની લોન વિશેની માહિતી તેના પડોશીઓ, સંબંધીઓ કે મિત્રોને આપી શકતા નથી. આવું કરવું એ ગ્રાહકની પ્રાઈવસીનું ઉલ્લંઘન ગણાય છે.
૫. કોલ રેકોર્ડિંગ: ગ્રાહક અને એજન્ટ વચ્ચેની તમામ વાતચીત રેકોર્ડ થવી જોઈએ જેથી વિવાદના કિસ્સામાં સત્ય બહાર આવી શકે.

ગ્રાહકોએ શું કરવું જોઈએ? જો કોઈ એજન્ટ તમારી સાથે ગેરવર્તણૂક કરે છે, તો ગભરાવાને બદલે તમે નીચે મુજબના પગલાં લઈ શકો છો:
સૌ પ્રથમ તે એજન્ટનું આઈડી કાર્ડ માંગો.
જો તે ધમકી આપે, તો તેની વાતચીત રેકોર્ડ કરો અથવા વીડિયો બનાવો.
બેંકની ફરિયાદ શાખા (Grievance Redressal Cell) માં લેખિત ફરિયાદ કરો.
જો બેંક ૩૦ દિવસમાં જવાબ ન આપે, તો તમે RBI લોકપાલ (Banking Ombudsman) ને ફરિયાદ કરી શકો છો.
ગંભીર કિસ્સામાં નજીકના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર (FIR) દાખલ કરો.
