Gujarat Bridge Collapse: 1985માં તૈયાર થયેલ પુલ તૂટી પડતાં ગંભીર અકસ્માત, અગાઉથી ચેતવણી છતા અવરજવર બંધ નહોતી; હવે 212 કરોડના નવો પુલ મંજૂર
Gujarat Bridge Collapse: ગુજરાતના વડોદરા નજીક એક ભયાનક અકસ્માત થયો છે જ્યાં મહિસાગર નદી પર આવેલો ગંભીરા પુલ તૂટી પડતાં અનેક લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં 5 વાહનો પુલ તૂટી જતા સીધા નદીમાં પડ્યા હતા. અત્યાર સુધીમાં 13 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે અને કેટલાકને બચાવવાનો પ્રયાસ સફળ રહ્યો છે. પુલ તૂટી પડતાં તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ પુલ વર્ષ 1981માં બાંધવામાં આવ્યો હતો અને 1985માં જાહેર ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સમય જતાં તેની સ્થિતિ અત્યંત નબળી બની ગઈ હતી. સ્થાનિક ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ અગાઉથી જ આ પુલની ખરાબ સ્થિતિ અંગે ચેતવણી આપી હતી અને નવી પુલની માંગ પણ કરી હતી, છતાં પુલ પર ટ્રાફિક ચાલુ જ રાખવામાં આવ્યો હતો.
અકસ્માતના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તરત જ ટેકનિકલ નિષ્ણાતોની ટીમને ઘટના સ્થળે મોકલી તપાસનો આદેશ આપ્યો છે. માર્ગ અને મકાન વિભાગના સચિવ પી.આર. પટેલિયાએ કહ્યું કે, પુલમાં તત્કાલીક તુટફાટ અને ભંગાણને લઈ નુકસાનની જાણકારી હતી, પરંતુ એવી ભયંકર ઘટના થશે એ આશંકા ન હતી.
આ દુર્ઘટનામાં બે ટ્રક સંપૂર્ણપણે નદીમાં ડૂબી ગયા હતા, જ્યારે એક ટેન્કર અડધું લટકતું રહ્યું હતું. આ સમયે લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને તરવૈયાઓ દ્વારા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટતંત્ર અને એનડીઆરએફ ટીમે શોધખોળ અને બચાવ કામગીરી હાથ ધરી છે.
આ ઘટનાને લઈને ફરીથી જૂના અને ખસ્તાહાલ પુલોની સ્થિતિ સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જો પહેલા જ અવરજવર બંધ કરી લેવામાં આવત અને નવા પુલના કામને ગતિ આપવામાં આવી હોત, તો આવા જાનહાનિભર્યા અકસ્માતથી બચી શકાય હોત.
હવે રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી 212 કરોડ રૂપિયાની ખર્ચે નવો પુલ બાંધવાની મંજૂરી આપી છે અને સર્વે કામગીરી શરૂ કરી દીધી છે. તેમજ પુલ તૂટવાના કારણો અને જવાબદારો શોધવા માટે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.
#WATCH | Vadodara, Gujarat | The Gambhira bridge on the Mahisagar river, connecting Vadodara and Anand, collapses in Padra; local administration present at the spot. pic.twitter.com/7JlI2PQJJk
— ANI (@ANI) July 9, 2025
આ ઘટના એ સ્પષ્ટ સંકેત આપે છે કે રાજ્યમાં ઢીલા માળખાકીય નીતિઓ અને સમયસર દખલ ન કરવા જેવી ખામીઓ ભારે દુર્ઘટનાઓનું કારણ બની રહી છે.