8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચના અપડેટ્સ: શું ફિટમેન્ટ ફેક્ટર વધીને 3.83 થશે? જાણો સરકારનો જવાબ
8મા કેન્દ્રીય પગાર પંચ (8th Pay Commission) હેઠળ ફિટમેન્ટ ફેક્ટર અને પગાર વધારા અંગે ચાલી રહેલી વિવિધ અટકળો વચ્ચે કેન્દ્ર સરકારે પ્રથમ વખત સંસદમાં સત્તાવાર નિવેદન આપ્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે પગાર પંચ એક સ્વતંત્ર સંસ્થા તરીકે કાર્ય કરી રહ્યું છે અને તેની આંતરિક પ્રક્રિયાઓ કે કર્મચારી યુનિયનોની માંગણીઓ પર સરકારે કોઈ સીધી ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

પગાર પંચની સ્વતંત્રતા અને સરકારનો જવાબ
રાજ્યસભામાં સાંસદ જાવેદ અલી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, 8મું પગાર પંચ તેના અધિસૂચિત ‘ટર્મ્સ ઓફ રેફરન્સ’ (ToR) મુજબ સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે કામ કરે છે.
સરકારે સ્પષ્ટ કર્યું કે પગાર પંચ માટે એ જરૂરી નથી કે તે પોતાની બેઠકો, હિસ્સેદારો (Stakeholders) સાથેની ચર્ચાઓ અથવા વિચારણા હેઠળના પ્રસ્તાવિત મુદ્દાઓ અંગે સરકારને સતત માહિતગાર રાખે. જ્યાં સુધી પંચ પોતાનો આખરી અહેવાલ તૈયાર ન કરે, ત્યાં સુધી તેને આવી વિગતો સરકાર સાથે શેર કરવાની કોઈ કાનૂની બાધ્યતા નથી.
ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ વધારવાની માંગ
કેન્દ્રીય કર્મચારી યુનિયનો દ્વારા સરકાર સમક્ષ બે મુખ્ય માંગણીઓ મુકવામાં આવી છે:
ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો: 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું, જેને વધારીને 8મા પગાર પંચમાં 3.83 કરવાની માંગ કરવામાં આવી રહી છે.
ફેમિલી યુનિટનો વિસ્તાર: હાલમાં પગારની ગણતરી માટે પરિવારના ૩ સભ્યો (Family Unit) ને ધ્યાનમાં લેવામાં આવે છે. યુનિયનોની માંગ છે કે આ સંખ્યા વધારીને ૫ કરવામાં આવે, જેથી કર્મચારીઓના માતા-પિતાનો પણ તેમાં સમાવેશ થઈ શકે.
જો ફિટમેન્ટ ફેક્ટર વધીને 3.83 થઈ જાય, તો કેન્દ્રીય કર્મચારીઓનો ન્યૂનતમ મૂળ પગાર (Minimum Basic Salary) રૂ. 18,000 થી સીધો વધીને રૂ. 69,000 થઈ શકે છે.

સમયસીમા અંગે સરકારની સ્થિતિ
સરકારે સંસદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, 3 નવેમ્બર 2025 ના પ્રસ્તાવ મુજબ 8મા કેન્દ્રીય પગાર પંચની રચના કરવામાં આવી છે અને પંચ તેના ગઠનના 18 મહિનાની અંદર પોતાની ભલામણો રજૂ કરશે. હાલના તબક્કે સરકારે કોઈ નવી કે સુધારેલી સમયસીમાની જાહેરાત કરી નથી.
પગાર પંચે અત્યાર સુધી કેટલી બેઠકો કરી છે અથવા કયા યુનિયનો સાથે પરામર્શ કર્યો છે તે અંગે પણ સરકારે ચોક્કસ વિગતો આપવાનું ટાળ્યું હતું અને પુનરાવર્તન કર્યું હતું કે આંતરિક બાબતો સંપૂર્ણપણે પંચના ક્ષેત્રાધિકારમાં આવે છે.
કેન્દ્રીય કર્મચારીઓ માટે આ નિર્ણયના માયના
સંસદમાં સરકારના આ વલણથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ફિટમેન્ટ ફેક્ટર અને પગારમાં કેટલો વધારો થશે તેનો આખરી નિર્ણય પગાર પંચનો અહેવાલ આવ્યા બાદ જ લેવાશે. કર્મચારી સંગઠનો પોતાની માંગણીઓ મજબૂતીથી રજૂ કરી રહ્યા છે, જ્યારે સરકાર પંચની સ્વાયત્તતા જાળવી રાખીને તેની સત્તાવાર ભલામણોની રાહ જોઈ રહી છે.
