૮મા પગાર પંચ હેઠળ ભરતીની છેલ્લી તારીખ આજે, જાણો કર્મચારીઓની ફિટમેન્ટ ફેક્ટર અંગેની માગણીઓ
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની નજર છેલ્લા ઘણા સમયથી ૮મા પગાર પંચ (8th Pay Commission) પર ટકેલી છે. આ દરમિયાન પગાર પંચ સાથે જોડાયેલા એક અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે. ૮મા પગાર પંચમાં વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર કામ કરવાની તક પૂરી પાડતી ભરતી પ્રક્રિયા ચાલુ છે, પરંતુ અરજી કરવા માટે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. કન્સલ્ટન્ટ્સના વિવિધ પદો માટે અરજી કરવાની આજે એટલે કે ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ અંતિમ તારીખ છે. ઈચ્છુક અને યોગ્યતા ધરાવતા ઉમેદવારો આજે જ સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

વિવિધ અનુભવ ધરાવતા ઉમેદવારો માટે પદોની વિગત
૮મા પગાર પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીમાં અલગ-અલગ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા નિષ્ણાતો માટે જગ્યાઓ રાખવામાં આવી છે. કુલ ૨૩ વિવિધ પદો પર નિમણૂક કરવામાં આવશે, જેમાં મુખ્ય પદોની વિગત નીચે મુજબ છે:
સિનીયર કન્સલ્ટન્ટ (Senior Consultant): ૨ પદો ઉપલબ્ધ છે. આ માટે ઉમેદવાર પાસે સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો ૧૦ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે અને વયમર્યાદા વધુમાં વધુ ૪૫ વર્ષ નક્કી કરવામાં આવી છે.
કન્સલ્ટન્ટ (Consultant): ૬ પદો માટે ભરતી થવાની છે. જેના માટે ૬ વર્ષનો અનુભવ માગવામાં આવ્યો છે અને ઉમેદવારની ઉંમર ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
કન્સલ્ટન્ટ યંગ પ્રોફેસનલ (Consultant Young Professional): આ પદ માટે સંબંધિત ક્ષેત્રમાં ૨ વર્ષનો અનુભવ ધરાવતા યુવા વ્યાવસાયિકો અરજી કરી શકે છે.
પસંદગી પ્રક્રિયા, ઈમેલનો જવાબ અને કાર્યકાળની શરતો
આ ભરતી પ્રક્રિયા હેઠળ પસંદ પામેલા ઉમેદવારોને ઈમેલ મારફતે સત્તાવાર જાણ કરવામાં આવશે.
૭ દિવસમાં આપવો પડશે જવાબ: પસંદગી પામેલા ઉમેદવારે ઈમેલ મળ્યાના ૭ દિવસની અંદર પોતાની સંમતિ દર્શાવતો જવાબ આપવાનો રહેશે.
૩૦ દિવસમાં જોઈનિંગ: સંમતિ આપ્યા બાદ ઉમેદવારે ૩૦ દિવસની અંદર પોતાના હોદ્દા પર હાજર થવું પડશે.
ગુનાહિત રેકોર્ડ: અરજી કરનાર ઉમેદવાર સામે કોઈ પણ પ્રકારનો ગુનાહિત કે કાનૂની રેકોર્ડ હોવો જોઈએ નહીં.
નોકરીનો સમયગાળો: આ નિમણૂક પ્રાથમિક રીતે ૧ વર્ષના સમયગાળા માટે રહેશે અથવા તો ૮મા પગાર પંચનો કાર્યકાળ જેટલો રહેશે તેટલા સમય માટે રહેશે. આ બંનેમાંથી જે સમયગાળો ઓછો હશે, ત્યાં સુધી આ નોકરી માન્ય ગણાશે.

૮મા પગાર પંચથી કર્મચારીઓને મોટી આશા
દેશભરના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો ૮મા પગાર પંચની ભલામણો અને આખરી રિપોર્ટની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ પંચની રચના નવેમ્બર ૨૦૨૫ માં કરવામાં આવી હતી અને તેને પોતાનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવા માટે ૧૮ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ રિપોર્ટ આધારિત ભલામણોના આધારે જ કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગાર અને ભથ્થાઓમાં મોટો સુધારો થવાની ધારણા છે.
કર્મચારીઓની વાસ્તવિક જરૂરિયાતો અને માંગણીઓને સમજવા માટે પગાર પંચની ટીમ દેશના વિવિધ ભાગોમાં બેઠકો યોજી રહી છે. દિલ્હી, લખનૌ અને ઓડિશા જેવા સ્થળોએ સફળતાપૂર્વક બેઠકો યોજાઈ ચૂકી છે, જ્યારે જયપુર અને પુડુચેરી ખાતે બેઠકો યોજવાની પ્રક્રિયા હાલ પ્રગતિ હેઠળ છે.
ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) પર સૌથી વધુ ધ્યાન
કેન્દ્રીય કર્મચારી સંગઠનો દ્વારા પગાર સુધારણામાં ફિટમેન્ટ ફેક્ટર પર સૌથી વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
કેટલાક કર્મચારી સંગઠનોએ વર્તમાન ફિટમેન્ટ ફેક્ટરને વધારીને ૩.૮૩ કરવાની મજબૂત માંગણી કરી છે. આ ઉપરાંત, મોંઘવારી અને જીવનનિર્વાહના ખર્ચને ધ્યાનમાં રાખીને ન્યૂનતમ વેતન ગણતરી માટે ‘ફેમિલી યુનિટ’ની સંખ્યા ૩ થી વધારીને ૫ કરવાની માંગ પણ રજૂ કરવામાં આવી છે. ફિટમેન્ટ ફેક્ટર વધવાથી કર્મચારીઓના બેસિક પે (Basic Pay) માં સીધો અને મોટો ઉછાળો આવશે, જેનાથી કર્મચારીઓના હાથમાં આવતા માસિક વેતનમાં નોંધપાત્ર વધારો થશે.
