8th Pay Commission: અનુકંપા નિયુક્તિ અને OPS પર સરકારનું સકારાત્મક વલણ; કેબિનેટ સેક્રેટરી સાથેની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
કેન્દ્રીય સરકારી કર્મચારીઓના પેન્શન, પ્રમોશન, રહેમરાહે નોકરી અને મેડિકલ રીઇમ્બર્સમેન્ટ જેવા અનેક પડતર પ્રશ્નોને લઈને ગત ૧૧ મેના રોજ એક હાઈ-લેવલ બેઠક યોજાઈ ગઈ. નેશનલ કાઉન્સિલ-જૉઇન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM) ની આ ૪૯મી બેઠકની અધ્યક્ષતા કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથન દ્વારા કરવામાં આવી હતી. આ બેઠકના પરિણામો પર દેશભરના લાખો કેન્દ્રીય કર્મચારીઓની નજર ટકેલી છે.

આ મહત્વપૂર્ણ બેઠકમાં ખર્ચ વિભાગ, પર્સનલ એન્ડ ટ્રેનિંગ વિભાગ (DoPT), રેલવે, સંરક્ષણ, આરોગ્ય અને અન્ય મહત્વના મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. કર્મચારી સંઘના પ્રતિનિધિઓએ આ પ્લેટફોર્મ પર પોતાની અનિર્ણિત માંગણીઓ વહેલી તકે પૂરી કરવા ભારે દબાણ કર્યું હતું. આમાંથી ઘણી માંગણીઓને આગામી ૮મા પગાર પંચ (8th Pay Commission) ના માળખામાં સામેલ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે.
જૂની પેન્શન યોજના (OPS) નો લાભ કોને મળશે?
બેઠકમાં જૂની પેન્શન યોજના (Old Pension Scheme) ને લઈને ખૂબ જ વિસ્તૃત અને સકારાત્મક ચર્ચા થઈ હતી. કર્મચારી સંઘના પ્રતિનિધિઓએ દલીલ કરી હતી કે, જે સરકારી ભરતીઓની જાહેરાત (Vacancies) ૨૨ ડિસેમ્બર, ૨૦૦૩ પહેલા બહાર પાડવામાં આવી હતી, પરંતુ વહીવટી વિલંબ અથવા લેટ જોઇનિંગના કારણે જે કર્મચારીઓની નિમણૂક વર્ષ ૨૦૦૪ કે તે પછી થઈ છે, તેમને પણ જૂની પેન્શન યોજના (OPS) નો લાભ મળવો જોઈએ.

કર્મચારી સંગઠનોએ સ્પષ્ટ લોજિક આપ્યું કે જો વહીવટી પ્રક્રિયાના વિલંબને કારણે કોઈ કર્મચારી ૨૦૦૪માં નોકરી પર ચઢ્યો હોય, તો તેમાં કર્મચારીનો કોઈ વાંક નથી. મીડિયા અહેવાલો અનુસાર, ખર્ચ વિભાગ (DOE) અને પેન્શન વિભાગ (DOP&PW) આ વ્યાજબી માંગણી સામે સકારાત્મક વલણ દાખવતા સહમતિ આપી દીધી છે, જે હજારો કેન્દ્રીય કર્મચારીઓ માટે બહુ મોટી રાહતના સમાચાર છે.
રહેમરાહે (અનુકંપા) નિમણૂક અંગે નવી માંગ
બેઠકમાં એ મુદ્દો પણ જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો કે, જો કોઈ સરકારી કર્મચારીનું અવસાન વર્ષ ૨૦૦૩ અથવા તે પહેલાં થયું હોય અને તેના આશ્રિત પરિવારે નિર્ધારિત કટ-ઓફ તારીખ પહેલાં રહેમરાહે નોકરી (Compassionate Appointment) માટે અરજી કરી દીધી હોય, તો તે આશ્રિત કર્મચારીને પણ ફરજિયાતપણે જૂની પેન્શન યોજના (OPS) અંતર્ગત પેન્શનનો લાભ મળવો જોઈએ.
શું છે આ જૂની પેન્શન યોજના (OPS)?
જૂની પેન્શન યોજના (Old Pension Scheme) સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ પછી આજીવન આર્થિક સુરક્ષાની ખાતરી આપતી એક સુરક્ષિત યોજના છે. કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાને ૧ જાન્યુઆરી, ૨૦૦૪થી સત્તાવાર રીતે બંધ કરીને તેની જગ્યાએ એનપીએસ (NPS) લાગુ કરવામાં આવી હતી.
OPS ની ખાસિયત એ છે કે તેના હેઠળ કર્મચારીને નિવૃત્તિ (Retirement) વખતે તેના છેલ્લા પગારના (Last Drawn Salary) સીધા ૫૦% રકમ પેન્શન તરીકે મેળવવાની ગેરંટી મળે છે. આ ઉપરાંત મોંઘવારી ભથ્થું (DA) વધવાની સાથે પેન્શનમાં પણ વધારો થાય છે. જ્યારે તેની સામે નવી પેન્શન સ્કીમ (NPS) કે યુપીએસ (UPS) જેવી યોજનાઓમાં પેન્શનની રકમ શેરબજારના ઉતાર-ચઢાવ અને એક નિશ્ચિત ફંડ પર આધારિત હોય છે, જેના કારણે તેમાં જોખમનું તત્વ રહેલું છે.
