America
America: અમેરિકામાં લાંબા સમયથી ઈંડાની અછત જોવા મળી રહી છે. એ દરમિયાન પેન્સિલ્વેનિયા શહેરમાં 1 લાખ ઈંડાની ચોરીના કેસથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. પોલીસ હાલ આ મામલાની તપાસ કરી રહી છે. ઈંડાની અછતને કારણે તેની કિંમતોમાં ભારે વધારો થયો છે. રિપોર્ટ્સ મુજબ, અમેરિકામાં ઈંડાના ભાવમાં સાત ગણો વધારો થયો છે. કેટલીક જગ્યાએ ગ્રાહકોને ફક્ત 3 કાર્ટન ઈંડા જ ખરીદવાની મંજૂરી છે.
અમેરિકાના પેન્સિલ્વેનિયા શહેરમાં આ મોટી ચોરી સામે આવી છે. એક ડિલિવરી રિટેલર પાસેથી અંદાજે 1 લાખ ઈંડા ચોરાઈ ગયા. પોલીસના જણાવ્યા મુજબ, આ ચોરી રાત્રે 8:40 વાગ્યે ગ્રીન કાસ્ટલ સ્થિત “પીટ એન્ડ ગેરી ઓર્ગેનિક્સ LLC”માં થઈ હતી. ચોરાયેલા ઈંડાની કિંમત લગભગ 40,000 ડોલર છે.
ઈંડાની કિંમતોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે, જેને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. હવે એક કાર્ટન ઈંડાની કિંમત 7 ડોલર સુધી પહોંચી ગઈ છે. ન્યૂયોર્કમાં “હોલ ફૂડ્સ ઇન્ક”માં એક ડઝન ઈંડાની કિંમત 11.99 ડોલર સુધી પહોંચી ગઈ છે.
અમેરિકામાં ઈંડાની અછતનું મુખ્ય કારણ બર્ડ ફ્લૂ છે. આ રોગના કારણે લાખો મરઘીઓનું મોત નીપજ્યું છે, જેના કારણે ઈંડાની સપ્લાય અસરગ્રસ્ત થઈ છે.આ અછતને કારણે ઈંડાની કિંમતો સતત વધી રહી છે અને હવે ચોરીના બનાવો પણ નોંધાઈ રહ્યા છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને આશા છે કે ટૂંક સમયમાં જ ચોરીનું રહસ્ય ઉકેલાશે.