જનતાની સમસ્યાઓ અને પ્રશ્નોનો ઝડપી, પારદર્શક અને સરળતાથી સકારાત્મક ઉકેલ આવે એ જ સુશાસનની સાચી પરિભાષા છે. નાનામાં નાનો વ્યકિત પણ સરળતાથી રજૂઆત કરી શકે તે માટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં શરૂ કરેલા સ્વાગત કાર્યક્રમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના નાગરિકોના પ્રશ્નો હલ થઈ રહ્યા છે જે આ સ્વાગત કાર્યક્રમની ફળશ્રુતિ છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણનો માહે જૂન-૨૦૨૩નો કાર્યક્રમ તા. ૨૨ જૂનના રોજ વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા સમાહર્તાશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ૨૮ પૈકી ૨૪ અરજીનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
ગામડાથી લઈને શહેરમાં વસતા લોકોના પ્રશ્નોનો ન્યાયિક ઉકેલ આવી શકે તે માટે સ્વાગત કાર્યક્રમ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે ચાર તબક્કામાં લોક પ્રશ્નોને વાચા આપે છે. સ્વાગત કાર્યક્રમ દિન પ્રતિદન એટલો વ્યાપક થતો ગયો કે, અરજદારોની સંખ્યા વધતી જઈ રહી છે અને લોકોને પોતાના પ્રશ્નોનો સુખદ ઉકેલ મળી રહ્યો છે. જૂન માસના સ્વાગત કાર્યક્રમમાં કુલ ૨૮ અરજીઓ આવી હતી. જે તમામ અરજદારોને વલસાડ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાની, પ્રાયોજના વહીવટદાર અતિરાગ ચપલોત અને નિવાસી અધિક કલેકટર અનસૂયા જ્હાંએ રૂબરૂ સાંભળી અરજદારોની સમસ્યાઓનો ત્વરિત ઉકેલ લાવવા માટેના પ્રયાસ હાથ ધરાયા હતા. જેમાંથી કુલ ૨૪ અરજીનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે ૧ અરજીનો નકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આમ કુલ ૨૫ અરજીનો નિકાલ કરાયો હતો. જ્યારે ૩ અરજી પેન્ડિંગ રાખવામાં આવી હતી. સ્વાગત કાર્યક્રમમાં સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેઓ પાસે અરજદારોના પ્રશ્નોનો ચોક્કસ સમય મર્યાદામાં નિકાલ થાય તે માટે કલેકટરશ્રીએ સૂચના આપી હતી.