ફ્રાન્સમાં માસ્ટર્સ ડિગ્રીનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને લઈને સારા સમાચાર આવ્યા છે. વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે હવે અભ્યાસ પૂરો કર્યા બાદ આવા વિદ્યાર્થીઓ ફ્રાન્સમાં ૫ વર્ષના વર્ક વિઝા મેળવી શકશે. તેમણે કહ્યું કે ભારતીય વિદ્યાર્થીઓને હવે ૫ વર્ષના પોસ્ટ સ્ટડી લાંબા ગાળાના વર્ક વિઝા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ ફ્રાન્સમાં માસ્ટર્સનો અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓને ફક્ત ૨ વર્ષના વર્ક વિઝા આપવમાં આવતા હતા. વડાપ્રધાન મોદી હાલમાં ફ્રાન્સની મુલાકાતે છે અને તેઓ બાસ્ટીલ ડે પરેડમાં ભાગ લેવાના છે. પેરિસમાં એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોં સાથે ભારતીય સમુદાયને સંબોધતાં તેમણે આ જાહેરાત કરી હતી.
અહેવાલ અનુસાર ફ્રાન્સમાં હાલમાં ૬૫૦૦૦ ભારતીય ઈમિગ્રન્ટ્સ છે. ફ્રાન્સની એમ્બેસીના આંકડા અનુસાર ફ્રાન્સમાં દર વર્ષે હાયર એજ્યુકેશન માટે ૨.૭ મિલિયન વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જાેડાય છે. તેમાંથી ૧૪ ટકા વિદ્યાર્થીઓ વિદેશથી આવે છે. ફ્રાન્સનો મેનેજમેન્ટ પ્રોગ્રામ ભારતીય વિદ્યાર્થીઓમાં સૌથી વધુ પ્રચલિત છે. ૨૦૨૧-૨૨માં જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર ફ્રાન્સમાં કુલ ૬૦૦૦ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ફ્રાન્સ ૨૦૨૫ સુધીમાં વધુ ૨૦૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓને તેને ત્યાં બોલાવવાની યોજના બનાવી રહ્યો છે.