અમદાવાદના શહેરીજનોને રોડ પર આડેધડ ફેંકાતા કચરાના કારણે મુશ્કેલીમાં મુકાવું પડે છે. ખાસ કરીને ખાણી-પીણીનાં બજારો તેમજ ખાણી-પીણીના વિવિધ એકમો મોડી રાતે તેમનો વધેલો એઠવાડ રોડ પણ બિનધાસ્તપણે ફેંકતા હોય છે, જેના કારણે મોર્નિંગ વોકમાં નીકળેલા અનેક નાગરિકોની સવાર બગડે છે. એઠવાડ ફેંકવાના કારણે રખડતાં ઢોર ઉપરાંત એઠવાડ ખાતાં કૂતરાં, ડુક્કર વગેરેનાં વરવાં દૃશ્યો સવારથી નાગરિકોને જાેવા પડે છે. લોકોના પગની અડફેટે ચઢતા એઠવાડનો પ્રશ્ન હલ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશને કવાયત આરંભી છે. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદમાં આ સમસ્યાનું ઝટ નિરાકરણ આવે તેવું લાગી રહ્યું છે.
રોડ પર કેટલાંક નઠારા તત્ત્વો ઘરનો કચરો ફેંકતાં હોય છે. અમુક જગ્યાએ વિવિધ કન્સ્ટ્રક્શનના ડેબ્રિજનો ઢગલો જાેવા મળે છે. રોડ પરના કચરામાં હોટલ અને રેસ્ટોરાં, મોલ, હોલ, ખાણી-પીણીનાં બજારો, કેન્ટીન, લગ્ન પ્રસંગના મંડપ જેવા એકમોના કિચન વેસ્ટ એટલે કે ખાદ્યપદાર્થોનો કચરો પણ ઉમેરાય છે. મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન દ્વારા શહેરમાં સ્વચ્છતા ઝુંબેશને ગંભીરતાથી લેવાઈ છે. લોકો પોતાના ઘરેલુ કચરાને સૂકો અને ભીનો એમ અલગ પાડીને ડસ્ટબિનમાં એકત્રિત કરે અને તંત્રની કચરાગાડીને આપે તે માટે સમયાંતરે ખાસ વિવિધ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો તંત્ર દ્વારા ચલાવાય છે. આ માટે નાગરિકોને ૧૦ લિટર ક્ષમતાનાં ભૂરા અને લીલા રંગનાં ડસ્ટબિન પણ વિનામૂલ્યે અપાઈ રહ્યાં છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક રોડ પર નજરે ન પડે તે માટે પણ કમિશનર થેન્નારસનના આદેશથી તંત્ર રોજેરોજ આ મામલે વિવિધ બજારોમાં ચેકિંગ હાથ ધરી કસૂરવાર ધંધાર્થીઓને દંડે છે.
જાેકે, કિચન વેસ્ટના મામલે પણ હવે તંત્ર ખૂબ ગંભીર બન્યું છે.અગાઉ પણ કમિશનરે સંબંધિત વિભાગને કિચન વેસ્ટના અસરકારક નિકાલ માટે જે તે હોટલ-રેસ્ટોરાં વગેરેની યાદી બનાવીને તે તમામને કિચન વેસ્ટના કોન્ટ્રાક્ટ હેઠળ આવરી લેવાની તાકીદ કરી હતી. અનેકવાર ઘણી હોટલ-રેસ્ટોરાં અને અન્ય ખાણી-પીણીના એકમોના લેભાગુ સંચાલકો કિચન વેસ્ટના કોન્ટ્રાક્ટથી બચવાનો પ્રયાસ કરતા જાેવા મળ્યા છે.
ખાદ્યપદાર્થોના કચરાના મામલે પશ્ચિમ અમદાવાદની વાત કરીએ તો આ વિસ્તારમાં આવેલા ત્રણ ઝોન એટલે કે પશ્ચિમ ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા હોટલ-રેસ્ટોરાં, ખાણી-પીણીનાં બજારો, વાડી- હોલ, મોલ જેવા એકમોમાં ઉત્પન્ન થતા કિચન વેસ્ટને સ્થળ ઉપરથી જ અલગ અલગ એકત્ર કરી પોતાના બંધ બોડીના વાહન દ્વારા તેના પીરાણા ડમ્પિંગ સાઈટ ખાતે નિકાલ કરવાની કામગીરી માટે ઈ-ટેન્ડર બહાર પડાયું છે. તંત્ર દ્વારા બહાર પડાયેલા આ ટેન્ડરની સમયમર્યાદા સાત વર્ષની છે અને તે હેઠળ કોન્ટ્રાક્ટરે સાત વર્ષ માટે પોતાના વાહન, સાધન સહિત મેનપાવર પૂરો પાડવાનો રહેશે.
પશ્ચિમ અમદાવાદના પશ્ચિમ ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોન પૈકી પશ્ચિમ ઝોનમાં હોટલ-રેસ્ટોરાં, ખાણી-પીણીનાં બજારો વગેરે મળીને સૌથી વધુ એટલે કે કુલ ૬૧૧ એકમો આવેલા છે, જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવા કુલ ૫૯૮ એકમો તંત્રના ચોપડે નોંધાયા છે. આ બે ઝોન ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૩૪૯ એકમનો કિચન વેસ્ટ આ કોન્ટ્રાક્ટ હેઠળ આવરી લેવામાં આવશે.તંત્ર દ્વારા બહાર પડાયેલા ઈ-ટેન્ડરની સમયમર્યાદા સાત વર્ષની હોવાથી તેમાં ટેન્ડરરે ભરેલા ભાવ સાત વર્ષ માટે ફિક્સ રહેશે, જાેકે તેમાં દર વર્ષે પાંચ ટકા ભાવવધારો જે તે વર્ષના અમલી ભાવમાં આપવામાં આવશે. કામગીરી સંતોષજનક નિવડશે તો કોન્ટ્રાક્ટને વધુ ત્રણ વર્ષ માટે લંબાવી શકાશે.