સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડની વલસાડ જિલ્લાની બેઠક વાપીની કેબીએસ કોલેજ ખાતે યોજાઈ હતી. રાજ્યના ગૃહમંત્રી મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને બોર્ડના રાજ્યના સંયોજક કૌશલભાઇ દવેના માર્ગદર્શન હેઠળ અગાઉ યોજાયેલી રાજ્ય કક્ષાની બેઠકમાં થયેલી ચર્ચા મુજબ આગામી સમયમાં વલસાડ જિલ્લામાં થનારા કાર્યક્રમોની ચર્ચા થઈ હતી.
આ બેઠકમાં વલસાડ જિલ્લા સંગઠનના મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ અને યુવા બોર્ડના ઝોન સંયોજક હર્ષિતભાઈ દેસાઈએ સર્વે સંયોજકોને Y-20 ગુજરાત સંવાદ કાર્યક્ર્મની સફળતા માટે ઝોનને દ્વિતીય ક્રમ મળ્યો એ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ બેઠક બાદ આજરોજ ઔદ્યોગિક નગરી વાપી ખાતેથી “સ્વામી વિવેકાનંદ વન” અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજકો સાથે ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કાર્યક્રમનો શુભારંભ કરાવી વૃક્ષારોપણ અને તેનું રક્ષણ કરવા તેમજ પર્યાવરણ સંરક્ષણની જવાબદારી નિભાવવા ગામના સૌ યુવાઓને આહવાન કરી તેનું મહત્વ સમજાવ્યું હતું. આ “સ્વામી વિવેકાનંદ વન” અભિયાન આગામી તા. ૩૦ જુલાઈ સુધી દરેક તાલુકા અને નગરપાલિકા વિસ્તારમાં ચાલશે.
આ બેઠક તથા વૃક્ષારોપણ કાર્યક્રમમાં જિલ્લા સંયોજક કિરણભાઈ ભોયા તથા વલસાડ જિલ્લાના તમામ તાલુકા – નગરપાલિકા વિસ્તારના સંયોજકો તથા વાપીના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.