મણિપુરમાં બે મહિલાઓને ર્નિવસ્ત્ર કરીને પરેડ કરાવવાના કેસમાં આજે પાંચમા આરોપીની પણ પોલીસે ધરપકડ કરી હતી. આ દરમિયાન આજે ફરી રાજધાની ઇમ્ફાલમાં હિંસાના સમાચાર મળ્યા છે.
એક અહેવાલ અનુસાર, મહિલા પ્રદર્શનકારીઓએ ઈમ્ફાલના ગઢી વિસ્તારમાં મુખ્ય માર્ગને બંને બાજુથી બ્લોક કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોએ રસ્તા પર ટાયરો સળગાવી પોલીસને કાર્યવાહી કરતા અટકાવ્યા હતા. માહિતી મળતા જ મણિપુર સશસ્ત્ર પોલીસ, આર્મી અને રેપિડ એક્શન ફોર્સના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થિતિને કાબુમાં લીધી હતી. રોડ પર સળગેલા ટાયર વગેરે પણ બુઝાવી દેવામાં આવ્યા હતા. દેખાવકારોને કાબૂમાં રાખવા માટે પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત રીતે વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી.
દેશના ઉત્તર-પૂર્વમાં સ્થિત છેલ્લા ૮૧ દિવસથી જાતીય હિંસાની આગમાં સળગી રહ્યું છે. ૩ મેના રોજ રાજ્યમાં એક રેલી બાદ ઈમ્ફાલમાં મેઇતેઇ અને પહાડી વિસ્તારમાં રહેતા કુકી સમુદાય વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. હિંસાને કારણે અત્યાર સુધીમાં ૧૬૦થી વધુ લોકોના મોત થયા છે. તે જ સમયે, ૫૦ હજારથી વધુ લોકો તેમના ઘર છોડીને શરણાર્થી શિબિરોમાં રહેવા માટે મજબૂર છે.