ભારતીય ક્રિકેટ ટીમના ચાઈનામેન લેફ્ટ આર્મ સ્પિનર કુલદીપ યાદવ માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ અત્યાર સુધી ઘણો સારો રહ્યો છે. વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ કુલદીપ ટી૨૦ સિરીઝમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ટી૨૦ મેચ ૭ વિકેટે જીતી લીધી છે. સૂર્યકુમાર યાદવે આ મેચમાં બેટિંગ કરીને મહત્વનું યોગદાન આપ્યું હતું. જ્યારે કુલદીપે બોલિંગમાં પોતાની ૪ ઓવરમાં ૩ વિકેટ ઝડપી હતી. આ સાથે કુલદીપે ટી૨૦ ઈન્ટરનેશનલમાં એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો છે.
કુલદીપ યાદવે ટી૨૦ ઇન્ટરનેશનલમાં ૫૦ વિકેટ પૂરી કરી લીધી છે. તે ઈજાના કારણે આ ટી૨૦ સિરીઝની બીજી મેચમાં રમી શક્યો ન હતો. આ પછી ત્રીજી મેચમાં સંપૂર્ણરીતે ફિટ થઇને પરત ફર્યો હતો અને તેણે બોલ સાથે ટીમ માટે મેચ વિનિંગ પ્રદર્શન પણ કર્યું હતું. કુલદીપે આ મેચમાં જાેન્સન ચાર્લ્સ, બ્રેન્ડન કિંગ અને નિકોલસ પુરનને પોતાનો શિકાર બનાવ્યો હતો. ભારતીય ટીમ માટે અત્યાર સુધી ૩૦ ટી૨૦ મેચ રમી ચૂકેલા કુલદીપે ૧૪.૨૮ની એવરેજથી ૫૦ વિકેટ ઝડપી છે. આ સાથે તે હવે ભારત માટે આ ફોર્મેટમાં સૌથી ઝડપી ૫૦ વિકેટ લેનારો બોલર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ યુઝવેન્દ્ર ચહલના નામે હતો, જેણે વર્ષ ૨૦૧૯માં પોતાની ૩૪મી ટી૨૦ ઈન્ટરનેશનલ મેચમાં ૫૦ વિકેટ લીધી હતી.
વનડે ફોર્મેટમાં વર્ષ ૨૦૨૩માં કુલદીપ યાદવનું શાનદાર પ્રદર્શન જાેવા મળ્યું છે અને તે ટીમ માટે મેચ વિનિંગ બોલર સાબિત થયો છે. કુલદીપે આ વર્ષે અત્યાર સુધીમાં ૧૧ મેચમાં ૧૭.૧૮ની એવરેજથી ૨૨ વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે એક મેચમાં ૪ વિકેટ પણ લીધી છે.