મણિપુરમાં એકવાર ફરીથી હિંસા ભભૂકી ઉઠી છે. બિષ્ણુપુર જિલ્લામાં શુક્રવારે રાતે મૈતેઈ સમુદાયના ૩ લોકોની હત્યા કરી નાખવામાં આવી છે. આ ઉપરાંત ઉપદ્રવીઓએ અનેક ઘરોમાં પણ આગચંપી કરી. બિષ્ણુપુર પોલીસે જણાવ્યું કે મૈતેઈ સમુદાયના ૩ લોકોની હત્યા કરવામાં આવી. આ ઉપરાંત કુકી સમુદાયના લોકોના ઘરમાં આગ લગાડવામાં આવી. પોલીસ સુત્રોનું કહેવું છે કે કેટલાક લોકો બફર ઝોનને પાર કરીને મૈતેઈ વિસ્તારમાં આવ્યા અને તેમણે મૈતેઈ વિસ્તારમાં ફાયરિંગ કર્યું. બિષ્ણુપુર જિલ્લાના ક્વાક્ટા વિસ્તારથી બે કિમી આગળ સુધી કેન્દ્રીય દળોએ બફર ઝોન બનાવ્યા છે.
આ અગાઉ ગુરુવારે સાંજે બિષ્ણુપુરમાં અનેક જગ્યાઓ પર ફાયરિંગ બાદ સ્થિતિ તણાવપૂર્ણ બની હતી. અનિયંત્રિત ભીડની સુરક્ષાદળો સાથે ઘર્ષણ થયું. મણિપુર પોલીસ તરફથી જણાવવામાં આવ્યું કે સુરક્ષાદળોએ સાત ગેરકાયદે બંકરોને નષ્ટ કર્યા. મળતી માહિતી મુજબ બેકાબૂ ભીડે બિષ્ણુપુર જિલ્લામાં બીજી આઈઆરબી યુનિટની ચોકીઓ પર હુમલો કર્યો અને ગોળા બારૂદ સહિત અનેક હથિયારો લૂંટીને લઈ ગયા. મણિપુર પોલીસે જણાવ્યું કે ભીડે મણિપુર રાઈફલ્સની બીજી અને ૭ ટીયુ બટાલિયન પાસેથી હથિયાર અને ગોળા બારૂદ પડાવવાની કોશિશ કરી પરંતુ સુરક્ષા દળોએ તેમને ખદેડી મૂક્યા હતા.
અત્રે જણાવવાનું કે મણિપુરમાં ૩જી મેના રોજ સૌથી પહેલા જાતિય હિંસાની શરૂઆત થઈ હતી. મૈતેઈ સમુદાયની અનુસૂચિત જનજાતિ (એસટી)માં સામેલ કરવાની માંગણીના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં આદિવાસી એકજૂથતા માર્ચ આયોજિત કરાઈ હતી. ત્યારે પહેલીવાર મણિપુરમાં જાતીય ઘર્ષણ થયું. હિંસામાં અત્યાર સુધીમાં ૧૬૦થી વધુ લોકોના જીવ ગયા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. મણિપુરમાં મૈતેઈ સમુદાયની સંખ્યા લગભગ ૫૩ ટકા છે અને તેઓ મોટાભાગે ઈમ્ફાલ ઘાટીમાં રહે છે. કુકી અને નાગા સમુદાયની વસ્તી ૪૦ ટકાથી વધુ છે અને તેઓ પહાડી જિલ્લામાં રહે છે.