Donald Trump
અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી તેમના દ્વારા છાશવારે કરાતા નિવેદનોના કારણે વિશ્વના વિવિધ બજારોમાં ઊથલપાથલ થઈ રહી છે. ક્રુડ તેલના વિવિધ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક દ્વારા ભાવ ઘટાડવા જોઈએ એવી હાકલ તાજેતરમાં ટ્રમ્પે કરી હતી, પરંતુ આજે મળેલા સમાચાર મુજબ સૌથી મોટા ક્રુડ ઉત્પાદક દેશ સાઉદી અરેબિયાએ ભાવ ઘટાડવાના બદલે માર્ચ માટે ભાવમાં વધારો કરતા આશ્ચર્ય સર્જાયુ છે. આ ઉપરાંત, ઓપેકની તાજેતરમાં જે મીટિંગ મળી હતી એમાં ઉત્પાદન વૃદ્ધિ એપ્રિલ મહિનાથી જ શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. આ પહેલા ઉત્પાદન કાપ ચાલુ રાખવા નિર્ણય કરાયો છે. 
બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ ૭૫.૩૨ વાળા નીચામાં ૭૪.૬૦ થયા પછી ઉંચામાં ભાવ ૭૫.૩૨ થઈ ૭૫.૦૪ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૭૧.૦૪ તથા ઉંચામાં ૭૧.૭૯ થઈ ૭૧.૫૧ ડોલર રહ્યા હતા. સાઉદી અરેબિયાએ માર્ચ મહિના માટે એશિયાના દેશો માટે ક્રૂડતેલના ભાવમાં વૃદ્ધી કર્યાના સમાચાર હતા તથા તેના પગલે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવને ઘટાડે સપોર્ટ મળતો થયાના વાવડ હતા. જો કે યુએસ એનર્જી ઈન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા મુજબ અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૮૭ લાખ બેરલ્સ વધ્યો છે. આની અસર વૈશ્વિક ભાવ પર દેખાઈ હતી તથા તેના પગલે ભાવમાં બેતરફી ઉછળકુદ જોવા મળી હતી.
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં ક્રૂડ ઉત્પાદક દેશોને ભાવ ઘટાડવા હાકલ કરી હતી પરંતુ સાઉદી અરેબિયાએ ભાવ ઘટાડવાના બદલે વધારી દેતાં વિશ્વ બજારમાં આ પ્રશ્ને ખાસ્સી ચકચાર સંભળાઈ હતી.
