ઉત્તરપ્રદેશના રામપુરના ચર્ચિત કારતુસ કાંડમાં આખરે ૨૪ પોલીસ કર્મચારીઓ સ્પેશિયલ કોર્ટે સજા સંભળાવી છે. આ કેસમાં ૧૩ વર્ષની સુનાવણી ૯ સાક્ષીઓની જુબાની બાદ આખરે ૨૪ દોષિતોને ૧૦-૧૦ વર્ષની સજા અને ૧૦-૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે. મદદનીશ સરકારી વકીલ પ્રતાપ સિંહ મૌર્યએ કહ્યું કે, તમામ આરોપીઓને સમાન સજા અપાઈ છે.
સીઆરપીએફ હવલદાર વિનોદ કુમાર અને વીનેશ કુમારને આર્મ્સ એક્ટ હેઠળ સાત-સાત વર્ષની કેદ અને ૧૦-૧૦ હજારનો દંડની સજા સંભળાવાઈ છે. આ અગાઉ બુધવારે તમામ આરોપીઓને દોષિત જાહેર કરાયા બાદ તમામને જેલ ધકેલી દેવાયા હતા. શુક્રવારે તમામને જેલમાંથી કોર્ટમાં રજુ કરાયા બાદ સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે તમામને સજા સંભળાવી છે. તમામ આરોપીઓને પર સરકારી સંપત્તિને નુકસાન કરવું, ચોરીની સંપત્તિને પોતાના કબજામાં રાખવી, ગુનાહિત ષડયંત્ર રચવું ઉપરાંત આર્મ્સ એક્ટના કેસ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે.
દંતેવાડાના નકસલી હુમલામાં સીઆરપીએફ જવાનો શહિદ થયા હોવાની ઘટના બની હતી, જેમાં એસટીએફને માહિતી મળી હતી કે, હુમલામાં ઉપયોગ કરાયેલ કારતુસ રામપુરથી મોકલાઈ હતી. માહિતીના આધારે એસટીએફ લખનઉની ટીમે રામપુરમાં ૨૯મી એપ્રિલ-૨૦૧૦ના રોજ દરોડો પાડ્યો હતો, જેમાં રામ રહીમ પુલ નજીકથી પ્રયાગરાજના રહેવાસી પીએસીના નિવૃત્ત દરોગા યશોદાનંદન, સીઆરપીએફના હવાલદાર વિનોદ કુમાર અને વિનેશકુમારની ધરપકડ કરાઈ હતી. આ લોકો પાસએથી ૧.૭૫ લાખ રોકડ, ખોખા, કારતુસ તેમજ હથિયારોનો જથ્થો જપ્ત કરાયો હતો. દરોડા દિવસે મુરાદાબાદથી પીટીસીમાં તૈનાત નાથીરામ સૈનીની પણ ધરપકડ કરાઈ હતી.