દર માસે યોજાતા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ઓગસ્ટ- ૨૦૨૩નો સ્વાગત -વ- ફરિયાદ નિવારણ કાર્યક્રમ વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં આજ રોજ યોજવામાં આવ્યો હતો.
બેઠકના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટરશ્રીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે અધિકારીઓને અરજદારોના પ્રશ્નોના નિકાલ માટે જરૂરી આધાર પૂરાવાઓ સાથે હાજર રહેવા તાકીદ કરી હતી. આ કાર્યક્રમમાં ગત માસના ૧ અરજદારનો પડતર પ્રશ્ન અને ચાલુ માસના ૨૨ અરજદારોના પ્રશ્નો રજૂ થયા હતા. જે પૈકી ૧૯ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય રજૂઆતોમાં જિલ્લાના નાગરિકો દ્વારા મુખ્યત્વે જમીન માપણી, અનઅધિકૃત બાંધકામ, છીરીના વલ્લભ નગરના રહેવાસીઓને રોડની સુવિધા, પારડીના ટુકવાડાના તળાવની માપણી, અંબાચ (પટેલ ફળિયું) પ્રાથમિક શાળા પાસે હળપતિવાસ થઈ રઘુજી ફળિયાને જોડતો ૧૨૦૦ મીટરનો રસ્તો બનાવવો, ઉમરગામના માલખેત, નગામ ડુંગરી ફળિયામાં બિનઅધિકૃત ખોદકામ, વર્ષ ૨૦૧૧-૧૨માં બનેલા ૬- લેન હાઈવેના જમીન વળતર ચૂકવવા બાબત, વાપી તાલુકામાં એમ.એસ.ડબલ્યુ. ડમ્પિંગ સાઈડ બનાવવી, રસ્તા પર ગેરકાયદે પાર્કિગ, પોલીસ ફરિયાદને લગતા પ્રશ્ન, ૭/૧૨ ના કોમ્પ્યુટરાઇઝડ રેકોર્ડમાં સુધારણા, જમીન નામે કરવા અંગેના, લગતા પ્રશ્નો રજૂ કરાયા હતા. જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીએ અરજદારોની ફરિયાદો અને રજૂઆતો શાંતિથી સાંભળી તેમના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી અનસુયા ઝા, વલસાડ પ્રાંત અધિકારી નિલેશ કુકડીયા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એ. કે. વર્મા, વલસાડ પાલિકાના ચીફ ઓફિસર દશરથસિંગ ગોહિલ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
