સાબરકાંઠાનો ૩૫ વર્ષનો યુવક ભરત રબારી એજન્ડ સાથે ૭૦ લાખની ડિલ કરીને અમેરિકા જવા નીકળ્યો હતો, પરંતુ તે અમેરિકાની નજીકમાં આવેલા ડોમિનિકા ટાપુ પર પહોંચ્યા પછી પરિવાર સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો છે. અમદાવાદથી મુંબઈ અને પછી વિવિધ દેશોમાં થઈને ભરતને અમેરિકા પહોંચાડવાનો હતો પરંતુ આમ થતા ૭ મહિના કરતા લાંબો સમય વિતિ જતા તેના પત્ની દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી છે. આ ફરિયાદમાં તેના પત્નીએ પોલીસને કેટલીક ચોંકાવનારી વિગતો જણાવી છે. પ્રાંતિજના વઘપુરનો ભરત રબારી ખેતી અને પશુપાલન સાથે જાેડાયેલો હતો અને તેને એજન્ટ તરફથી અમેરિકા જવાની ખાત્રી મળતા તેણે ડિલ નક્કી કરી હતી જેમાં ૨૦ લાખ એડવાન્સમાં આપ્યા હતા અને બાકીના ૫૦ લાખ અમેરિકા પહોંચ્યા બાદ આપવાની વાત કરવામાં આવી હતી.
ભરત રબારીના પત્નીએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં કેટલાક મહત્વના ખુલાસા કર્યા છે અને તેમાં દિવ્યેશકુમાર ઉર્ફે જાેની મનોજકુમાર પટેલ તથા મહેન્દ્ર ઉર્ફે એમડી બળદેવભાઈ પટેલ સાથે થયેલી ડિલ અને વાતચીતોનો ઉલ્લેખ પણ કર્યો છે. ફરિયાદ મુજબ ૮ જાન્યુઆરીએ ભરત રબારી પ્રાંતિજના વઘપુર ગામથી અમદાવાદ પહોંચ્યો હતો અને પછી અહીંથી તેના અમેરિકા પહોંચવાના સપનાની શરુઆત થઈ હતી. મુંબઈથી એમ્સ્ટર્ડમ (નેધરલેન્ડ) અને પછી ત્યાં થોડા દિવસ રોકાયા બાદ ભરત પોર્ટ ઓફ સ્પેન પહોંચ્યો હતો, અહીં પણ પંદર દિવસ જેટલું રોકાયા બાદ તેને ડોમિનિકા ટાપુ મોકલવામાં આવ્યો હતો. જાેકે, ડોમિનિકા પહોંચ્યા બાદ ભરતનો પરિવાર સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો. ૩૫ વર્ષનો ભરત રબારી એજન્ટની મદદથી ડોમિનિકા પહોંચ્યા બાદ અહીંથી તેની પત્ની સાથે ૧૫ જેટલા દિવસ સુધી વાત થઈ હતી.
પરંતુ ૪ ફેબ્રુઆરી પછી પતિ સાથે સંપર્ક થઈ શક્યો નહોતો. પરિવારજનોને ભરત સાથે વાત ન થતા ચિંતા થઈ રહી હતી જેથી એજન્ટ સાથે વાત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યેશ ઉર્ફે જાેની પટેલ સાથે વાત કરી હતી, જેણે આ મામલે તેની ઉપરના એજન્ટ મૂળ ગાંધીનગરના કલોકના ડિંગુચા ગામના તથા અમદાવાદના રાણીપમાં રહેતા એજન્ટ મહેન્દ્ર ઉર્ફે એમડી બળદેવભાઈ પટેલ સાથે આ અંગે વાત કરાવી હતી. જેમાં મહેન્દ્ર પટેલ નામના એજન્ટે ભરત માર્ટિનિક્યુ પહોંચ્યાની વાત કરી હતી અને તેમની સાથે અન્ય ગુજરાતીઓ પણ હોવાની વાત કરીને ધૃવરાજસિંહ બળવંતસિંહ વાઘેલા, પ્રતિકકુમાર હેમંતકુમાર પટેલ તથા નિખીલકુમાર પ્રહલાદભાઈ પટેલ પણ હોવાનું જણાવવામાં આવ્યું હતું.
જાેકે આ વાત થયાના પંદર દિવસ પછી પણ ભરત સાથે સંપર્ક ન થતા ફરી એજન્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં મહેન્દ્ર પટેલે પરિવારના સભ્યોને વિશ્વાસ રાખો.. તમારા પતિ ભરત સાથે બીજા ૮ લોકો પણ છે, તેવીવાત કરી હતી. આ દરમિયાન ભરતના પત્નીને એજન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તમે ચિંતા ના કરો તમારા પતિ સાથે વાત થઈ જશે અને તેઓ અમેરિકા પણ પહોંચી જશે. જાેકે, આમ છતાં ભરતનો પરિવાર સાથે પાંચ મહિનાથી કોઈ સંપર્ક ન થયો હોવાથી અને અમેરિકા જવા નીકળ્યાને ૭ મહિના કરતા વધુ સમય થઈ ગયો હોવાથી તેમનો પરિવાર ચિંતિત હતો, તેમને એજન્ટો તરફથી વિશ્વાસ રાખવાની વાત કહેવામાં આવી રહી હતી પરંતુ આગળ કોઈ રિઝલ્ટ મળી રહ્યું નહોતું, જેથી ભરતના પત્નીએ આખરે પોતાના પતિ અમેરિકા જવાની નીકળ્યા બાદ સંપર્ક તૂટૂ જવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ભરત રબારીના ભાઈએ પણ પોતાના ભાઈ અમેરિકા જવા નીકળ્યા બાદ તેમની સાથેનો સંપર્ક તૂટ્યા બાદ પરિવારજનો ચિંતિત હોવાની વાત કરીને આ મામલે સરકાર તરફથી મદદ મળે તેવી આશા વ્યક્ત કરી છે અને તેમણે બે એજન્ટો દ્વારા વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાની વાત જણાવી છે.