Tariff war
નવી દિલ્હી : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક સપ્તાહ પૂર્વે બેઠક યોજાઈ તે પહેલા જ ભારતે અમેરિકા સાથેના વેપાર સંબંધોને નવો વળાંક આપી દીધાનું જોવા મળી રહ્યું છે. અમેરિકા દ્વારા જાહેર કરાયેલી ટેરિફ વોરના અમલ પૂર્વ જ તેની અસર સામેથી રક્ષણ મેળવવા ભારતે આ આયાત વધારી હોવાનું માનવામાં આવે છે.
ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકાના નવા પ્રમુખ તરીકેની વરણી થતાં જ વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં અમેરિકા ખાતેથી ભારતની ક્રુડ તેલની આયાત ડિસેમ્બરની સરખામણીએ ત્રણ ગણી જેટલી વધી ગઈ હતી.ડિસેમ્બર, ૨૦૨૪માં પ્રતિ દિન ૭૦૬૦૦ બેરલની સામે જાન્યુઆરીમાં ભારતે અમેરિકા ખાતેથી ક્રુડ તેલની પ્રતિ દિન ૨૧૮૪૦૦ બેરલ આયાત કરી હતી. આયાતમાં વધારા સાથે અમેરિકા ભારતનું ટોચનું પાંચમું ક્રુડ તેલ પૂરવઠેદાર બન્યું છે, એમ સરકારી ડેટા જણાવે છે.
૨૦૨૪માં અમેરિકા ખાતેથી ભારતે ૧૫ અબજ ડોલરના ક્રુડ તેલની ખરીદી કરી હતી જે વર્તમાન વર્ષમાં વધારી ૨૫ અબજ ડોલર કરવા ભારતે ટાર્ગેટ રાખ્યો છે. વિશ્વમાં ભારત ક્રુડ તેલનો ત્રીજો મોટો આયાતકાર દેશ છે.
સરકારના ડેટા પ્રમાણે ગયા મહિને રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલ આયાત ૪.૩૦ ટકા વધી પ્રતિ દિન ૧૫.૮૦ લાખ બેરલ રહી હતી. રશિયા હજુપણ ભારતનું ટોચનું પૂરવઠેદાર રહ્યું છે.
અમેરિકાના પ્રતિબંધોને ધ્યાનમાં રાખતા આવનારા મહિનાઓમાં રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલની આયાતમાં ઘટાડો થવા સંભવ છે, કારણ કે ભારતની રિફાઈનરીઓ રશિયાની એવી કંપનીઓ પાસેથી ખરીદી કરશે જેના પર અમેરિકાના પ્રતિબંધ નથી, એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
અમેરિકા દ્વારા રશિયાના ક્રુડ તેલની નિકાસ પર લાગુ કરાયેલા પ્રતિબંધોને કારણે રશિયાના સસ્તા તેલ મેળવતા દેશોએ પોતાના ક્રુડ તેલની જરૂરિયાતને પહોંચી વળવા નવા પૂરવઠેદારોની શોધ કરવાની ફરજ પડી છે.રશિયા બાદ ઈરાક ભારતને ક્રુડ તેલનો બીજો મોટો પૂરવઠેદાર દેશ રહ્યો છે.
ટ્રમ્પના જેવા સાથે તેવા થવાની ચિમકી ઉચ્ચાર્યા બાદ ભારત સરકારં સંબધોમાં ઓટ આવે તે પૂર્વે જ અમેરિકા માંથી ક્રૂડ ઓઇલની આયાત વધારીને ટ્રમ્પને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. જેથી કરીને ટ્રમ્પની ટેરિફની સુનામીમાં ભારતને મોટો ફટકો ન પડે.