UPI
ઓનલાઇન પેમેન્ટમાં અત્યંત પ્રચલિત યુપીઆઇ ટૂંક સમયમાં કલેક્ટ પેમેન્ટ સર્વિસ બંધ કરવા જઈ રહ્યું છે. નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાએ યુપીઆઇ મારફત પેમેન્ટ રિકવેસ્ટ મારફત થતાં ફ્રોડને ધ્યાનમાં રાખતાં કલેક્ટ પેમેન્ટ ટ્રાન્જેક્શન સર્વિસ મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે.
યુપીઆઇના મર્ચન્ટ્સ જ કલેક્ટ કોલ ટ્રાન્જેક્શન સર્વિસનો ઉપયોગ કરી શકશે. જ્યારે પર્સન-ટુ-પર્સન કલેક્ટ રિક્વેસ્ટની મર્યાદા રૂ. 2000 સુધી સીમિત કરવામાં આવી છે.
પુલ પેમેન્ટથી ફ્રોડ વધ્યા
બૅન્કિંગ સૂત્રોએ જણાવ્યું હતું કે, પુલ ટ્રાન્ઝેક્શન્સના લીધે ફ્રોડ વધુ થઈ રહ્યા છે. જેમાં સ્કેમર્સ ઓનલાઇન પ્રોડક્ટ ખરીદવાના બહાને રિટેલર્સ સાથે સંપર્ક કરે છે, અને યુપીઆઇ પેમેન્ટ કરવાનું કહી પુલ રિક્વેસ્ટ મોકલે છે. જો યુઝર ભૂલથી પેમેન્ટ રિસિવ કરવાની રિક્વેસ્ટ સમજી અપ્રુવ કરી દે છે તો તેમના એકાઉન્ટમાંથી પૈસા ખાલી થઈ જાય છે.
NPCIએ આ પગલું યુપીઆઇ ટ્રાન્ઝેક્શન્સને વધુ સુરક્ષિત બનાવવા માટે લીધું છે. જેમાં ક્યુઆર કોડ અને ડાયરેક્ટ પુશ પેમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવશે. આ બદલાવ ભારતની ઝડપથી વધતી ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમને સુરક્ષિત બનાવવાની રણનીતિનો ભાગ છે.
પુલ પેમેન્ટનું ફીચર તબક્કાવાર દૂર કરવામાં આવશે. જેથી નાના વેપારીઓને ક્યુઆર કોડ અને અન્ય પેમેન્ટ મોડ અપનાવવા માટે પર્યાપ્ત સમય મળી રહે. હાલ બૅન્કો યુપીઆઇ અને રૂપે ડેબિટ કાર્ડ ટ્રાન્જેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ફરી લાગુ કરવાની માગ કરી રહ્યા છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે પેમેન્ટ પ્રક્રિયા પર વેપારીઓ પાસેથી વસૂલવામાં આવતો MDR અગાઉ માફ કરવામાં આવ્યો હતો. જોકે, બૅન્કોએ તેને ફરી લાગુ કરવાની માગ કરી છે. જેથી ડિજિટલ પેમેન્ટ ઈકોનોમીને વેગ મળી શકે.