ભારતના યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે યુપીઆઈનો ઉપયોગ વિશ્વના તમામ દેશોમાં થઈ રહ્યો છે.
ભારત સરકાર પણ યુપીઆઈને તેની સૌથી મોટી ઉપલબ્ધિઓમાંની એક માને છે. ભારતનો યુપીઆઈપસંદ કરનારાઓની લિસ્ટમાં જર્મની પણ સામેલ થઈ ગયું છે. જી૨૦ સમિટમાં ભાગ લેવા આવેલા જર્મનીના ડિજિટલ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર વોલ્કર વિસિંગે તેને ભારતની સફળતા ગણાવી છે.
જર્મનીના યુનિયન ડિજિટલ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર વોલ્કર વિસિંગે યુપીઆઈનો ઉપયોગ કરીને પેમેન્ટની સરળતાનો અનુભવ કર્યો અને તેઓ તેના ફેન બની ગયા હતા. વોલ્કર વિસિંગે ૧૯ ઓગસ્ટે બેંગલુરુમાં જી૨૦ ડિજિટલ મંત્રીઓની બેઠકમાં હાજરી આપી હતી અને ગઈકાલે બેંગલુરુની શેરીઓમાં ફરવા નીકળ્યા હતા. અહીં તેમણે શાકમાર્કેટમાંથી શાકભાજી ખરીદ્યા અને તેના માટે યુપીઆઈદ્વારા ચૂકવણી કરી હતી. જર્મનીના મંત્રીનો શાકભાજી ખરીદતો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
ભારતમાં જર્મન એમ્બેસી દ્વારા એક્સ (ટિ્વટર) પર ટ્વીટ દ્વારા યુપીઆઈની લોકપ્રિયતા અને ઉપયોગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. દૂતાવાસના ટ્વીટમાં ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરતા કહેવામાં આવ્યું હતું કે યુપીઆઈદેશની સફળતાની ગાથાઓમાંની એક છે.
જર્મનીના ડિજિટલ અને ટ્રાન્સપોર્ટ મંત્રી વોલ્કર વાઈસિંગ યુપીઆઈનો ઉપયોગ કરીને તેનાથી ખુબ પ્રભાવિત થયા હતા. તેઓએ કહ્યું કે તે ખૂબ જ યુઝર ફ્રેન્ડલી છે અને હું એ વાતથી આશ્ચર્યચકિત હતો કે ટ્રાન્ઝેક્શન કેટલી ઝડપથી પૂર્ણ થયો. તેમણે યુપીઆઈની સુરક્ષા વિશેષતાઓની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તે ખૂબ જ સુરક્ષિત છે અને મને વિશ્વાસ છે કે મારા પૈસા સુરક્ષિત છે.
