IIM બ્રિજ પાસે થયેલી ૨૫ લાખની લૂંટ મામલે ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે અને લૂંટના ગુનામાં સંડોવાયેલ બંટી-બબલીમાંથી મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મહિલા આરોપી ડોક્ટરના વેશમાં ફરતી જેને અન્ય બે લૂંટને અંજામ આપ્યાની આશકા છે. સાથે જ મહિલા આરોપી પાસેથી દસ લાખની રોકડ રકમ પણ કબજે કરવામાં આવી છે.
મહિલા પોલીસની કસ્ટડીમાં રહેલી આરોપી મહિલાનું નામ રેખા માલી છે. જે ખોખરા ભાઈપુરા વિસ્તારની રહેવાસી છે. પરંતુ તેના સાગરીત નકુલ તમંચે સાથે મળી શહેરના અલગ અલગ વિસ્તારમાં બે લૂંટને અંજામ આપ્યો હતો. મહિલા આરોપી પાસેથી ક્રાઈમ બ્રાન્ચે દસ લાખની રોકડ રકમ કબજે કરી છે. સાથે જ તેને પૂછપરછમાં એલિસબ્રિજ વિસ્તારમાં થયેલી સાડા ત્રણ લાખની લૂંટ અને ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આઇઆઇએમ બ્રિજ પાસે થયેલી ૨૫ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે. જાેકે આ ગુનામાં તેનો સહ આરોપી નકુલ તમંચે ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
ઝડપાયેલ આરોપી મહિલા રેખા તેના અન્ય ત્રણ સાગરીતો સાથે મળી આંગડિયા પેઢીની બહાર વોચ રાખતી હતી અને જેવો કોઈ શિકાર તેમના ધ્યાને આવે તરત જ તેની રેકી કરી લૂંટને અંજામ આપતા હતા. રેખાની સાથે રહેલા અન્ય ત્રણ આરોપીઓ માં નકુલ તમંચે તેનો ડ્રાઇવર રહેતો અને અન્ય વાહન પર બીજા બે યુવકો રહેતા હતા. તેઓ કોઈપણ બહાને ભોગ બનનારને રોકી વાતોમાં રાખતા અને નકુલ તથા રેખા રોકડ ભરેલો થેલો લઈને ફરાર થઈ જતા હતા. સાથે જ રેખા ડોક્ટરો પહેરે તેવું સફેદ કલરનું એપ્રોન પહેરતી હતી. જેથી કોઈને તેના પર શક ન જાય અને ગુનાને અંજામ આપી તેઓ ફરાર થઈ શકે.
આરોપી મહિલા રેખા માલીની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા સામે આવ્યું કે, તેની સાથે રહેલો સહ આરોપી નકુલ અલગ અલગ ૮ પોલીસ સ્ટેશનના લૂંટના ગુનાઓમાં સંડોવાયેલ છે. તથા તેના બે અન્ય સાગરિતો વિશે પોતે કંઈ ન જાણતી હોવાનું જણાવી રહી છે. ક્યારે નકુલની ધરપકડ બાદ લૂંટ તથા નજર ચૂકવી ચોરી કરવાની અન્ય ગુનાઓના પણ ભેદ ઉકેલાય તેવી શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.