રોકાણકારોના કરોડો રૂપિયા ગુમાવ્યા, બ્રેન્ટ ક્રૂડ $100 ને પાર થયું
ઈરાનમાં યુદ્ધ વિરામ મુદ્દે ઈસ્લામાબાદમાં તેહરાન અને અમેરિકા વચ્ચેની વાતચીત નિષ્ફળ રહેતા અને ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા વધારાને કારણે આજે ભારતીય શેરબજારમાં મોટી ગાબડું જોવા મળ્યું છે. દલાલ સ્ટ્રીટના બંને મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી આજે ભારે દબાણ હેઠળ જોવા મળી રહ્યા છે. બીએસઈ સેન્સેક્સ 1613 પોઈન્ટના ઘટાડા સાથે 75937 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે નિફ્ટી 461 પોઈન્ટ તૂટીને 23589 ના મહત્વના સપોર્ટ ઝોનની નીચે સરકી ગયો છે.
બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ ટ્રમ્પ દ્વારા હોર્મુઝની ઘેરાબંદીની ધમકી અને તેલના ભાવમાં થયેલો ઉછાળો છે. ભારત તેલનો મોટો આયાતકાર દેશ હોવાથી કિંમતોમાં વધારો અર્થતંત્ર માટે આંચકા સમાન છે. જો તેલ મોંઘું થશે તો તેની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પર પડશે અને મોંઘવારી વધવાની શક્યતા છે. આ કારણોસર રોકાણકારોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.
વૈશ્વિક બજારોની વાત કરીએ તો, એશિયન બજારોમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી 0.84 ટકા અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.83 ટકા સુધી તૂટ્યો છે. અમેરિકી બજાર વોલ સ્ટ્રીટમાં પણ સોમવારે સવારે ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યાં ડાઉ જોન્સ ફ્યુચર્સ 550 પોઈન્ટથી વધુ નીચે ટ્રેડ થઈ રહ્યો છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ 7.05 ટકા વધીને 101.91 ડોલર અને અમેરિકન વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ 7.86 ટકાના વધારા સાથે 104.16 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયું છે.
