બાળકના જીવનમાં શાળા જ સૌ પ્રથમ પગથિયુ છે કે જ્યાંથી તે પા પા પગલી ભરીને આગળ વધે છે. આ સમયગાળામાં બાળકને શિક્ષણ પ્રત્યે રસ જળવાય રહે તે માટેની સૌથી મોટી જવાબદારી શિક્ષકોના શિરે હોય છે. પરંતુ વાત જ્યારે આદિવાસી વિસ્તારમાં બાળકોના શિક્ષણની આવે તો તે કામગીરી અનેક મોટી ડિગ્રીધારી શિક્ષકો માટે પણ કપરી બની જાય છે. ત્યારે વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા ધરમપુર, કપરાડા અને ઉમરગામ તાલુકામાં શિક્ષકોએ બાલવાટિકા અને ધો. ૧- ૨ ના બાળકોને ગુજરાતી ભાષામાં ભણાવવા પહેલા ત્યાંની સ્થાનિક બોલી શીખવી પડે છે. આજે શિક્ષક દિન નિમિત્તે કપરાડા તાલુકાના એવા શિક્ષકોની વાત કરવા જઈ રહ્યા છે કે, જેઓએ આદિવાસી વિસ્તારના બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધારવા અને તેઓ સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડાય તે માટે સ્થાનિક બોલી શીખવામાં અને બાળકોને શાળામાં આવવાનું ગમે તેવુ મનોરંજનદાયક શિક્ષણ આપવામાં જીવન સમર્પિત કરી દીધુ છે.વાત છે, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ એવા મોટી પલસાણ ગામના કરંજલી ફળિયાની પ્રાથમિક શાળાના ઉપશિક્ષક છનાભાઈ જાનુભાઈ ચવધરીની. તેઓ વર્ષ ૧૯૯૯થી આદિવાસી વિસ્તારમાં સાચા અર્થમાં બાળકોમાં શિક્ષણની જ્યોત પ્રજવલ્લિત કરી રહ્યા છે. છનાભાઈ શાળામાં બાળકોને ભણાવતા હોય ત્યારે જે શબ્દો બોલે છે તે શબ્દોમાં આપણને સમજ ન પડે પણ બાળકો તે શબ્દો સાંભળીને તુરંત જ પ્રતિક્રિયા આપે છે. જેમકે, ચલા ઊભા હોમ જા બધી જ પોછે (ચાલો બધા જ બાળકો ઊભા થાઓ), ચલા બધી જ બાહેર ચલા આગની ચલા ( ચાાલો બધા બહાર આંગણામાં ચાલો) આવા અનેક શબ્દો છે, જે બાળકોના જીવનમાં વણાયેલા છે. બાળકોને મનોરંજનદાયક શિક્ષણ મળે તે માટે શિક્ષક છનાભાઈ દ્વારા સ્થાનિક લોકગીત પણ તૈયાર કરવામાં આવ્યા છે, જે વારે તહેવારે વર્ગખંડમાં બાળકો સાથે તબલાની તાલ સાથે ગાવામાં આવે તો બાળકો ઝુમી ઉઠે છે.
ટૂંકમાં કહીએ તો, બાળક સાથે બાળક જેવા બની જવાની પ્રેરણા શિક્ષક છનાભાઈ ચવધરી આપી રહ્યા છે. મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા કપરાડા તાલુકાના જ અંતરિયાળ બામણવાડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા ચેતનાબેન પટેલનો બાળકોને ભણાવવાનો અંદાજ અલગ છે. છેલ્લા ૧૭ વર્ષથી આદિવાસી બાળકોમાં શિક્ષણની જ્યોત ઝળહળતી રાખનાર ચેતનાબેન બાળકને ભણાવતી વેળા પોતે પણ બાળક જેવા બની બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે. તેઓ કહે છે કે, અહીંના બાળકો શરૂઆતમાં ગુજરાતી ભાષા સમજતા નથી. જેથી સ્થાનિક બોલી શીખી તે બોલીમાં જ વાત કરવી પડે છે. જેમ કે બાળકોને સ્કૂલમાં કહેવાનું હોય કે, ફટાફટ કામ કરો તો તેઓ પ્રતિક્રિયા આપતા નથી પરંતુ એમ કહીએ કે, લેગ લેગ કામ કરાય તો તરત પ્રતિક્રિયા આપે છે. આ રીતે બીજા શબ્દો જોઈએ તો, આખી ઉભી થા (ચાલો ઉભા થાઓ), પારગટ વાળાય બેસ બસાય ( સરખા બેસો), એલે કાય સાગાય (આને શુ કહેવાય) લાહા લાહા લીખાય ( જલ્દી લખો), વર કાય લીખેલ આહે (ઉપર શું લખેલુ છે), ઉદે એ વાંચુન ઈજા( આ વાંચી આવજો) અને એ તામડા રંગ આહે (આ લાલ રંગ છે) આવા શબ્દો બાળકોના જીવનમાં વણાઈ ગયેલા હોવાથી તેઓને શરૂઆતમાં સ્થાનિક બોલીમાં અભ્યાસ કરાવ્યા બાદ ધીમે ધીમે ગુજરાતી ભાષા તરફ વાળવામાં આવે છે.કંરજલી પ્રાથમિક શાળાના ઉપશિક્ષક છનાભાઈ ચવધરી કહે છે કે, આદિવાસી વિસ્તારમાં ગામડાનું બાળક પોતાની કાલીઘેલી બોલીમાં વાત કરે છે.
તે સમજવા માટે બાળકો પોતાના ઘરે દાદા-દાદી કે વડીલો સાથે કઈ બોલી બોલે તે શીખવુ પડે છે. પછી બાળકોને પા પા પગલી ભરી ગુજરાતી ભાષા તરફ વાળવામાં આવે છે. બાળકોને વાર્તા, લોકગીતો અને જોડકણાં કરાવવુ ખૂબ જરૂરી છે. બાળકોને વધારેમાં વધારે રસ પડે તે માટે ગાવાની, નાચવાની અને બોલવાની કળા વિકસે એ માટે વર્ષોથી પ્રત્યનશીલ છું. શિક્ષણને આગળ વધારવા માટે શિક્ષક, બાળક અને વાલી ત્રણેયની ભૂમિકા મહત્વની છે. તો જ આજનો બાળક આવતીકાલનો શ્રેષ્ઠ નાગરિક બની શકે.બામણવાડા પ્રા. શાળાના મુખ્ય શિક્ષિકા ચેતનાબેન પટેલ કહે છે કે, આદિવાસી વિસ્તારમાં બાળકોના શિક્ષણની સાથે સાથે આદિવાસી સંસ્કૃતિ તરીકે લોક બોલીનું સંવર્ધન થઈ રહ્યું છે. કારણ કે, બાળકોને શાળામાં શરૂઆતનું પ્રાથમિક શિક્ષણ આપવા માટે સ્થાનિક લોક બોલી અગત્યનો ભાગ ભજવે છે. જે માટે ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ મોડ્યુલ બનાવી શિક્ષકોને તાલીમ પણ આપવામાં આવે છે. સ્થાનિક બોલીનો ઉપયોગ માત્ર બાલવાટિકા અને ધો. ૧-૨માં જ કરવામાં આવે છે ત્યાર બાદ ધો. ૩ થી ગુજરાતી ભાષામાં જ ભણાવાય છે.