અમદાવાદમાં ૨ દિવસમાં ૨ ભ્રૂણ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આજે સવારે ઈસનપુર વિસ્તારમાંથી ૧ ભ્રૂણ મળી આવ્યું હતું. જે મામલે ઈસનપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે ગઈકાલે સાબરમતી નદીમાંથી જન્મેલું બાળક મૃત હાલતમાં મળ્યું હતું. જે મામલે સાબરમતી રિવરફ્રન્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. નિકોલનાં કઠવાડા નજીક પાણીની ટાંકી પાસે એક બાળક મળી આવ્યું હતું. કઠવાડા નજીકથી તાજુ જન્મેલું બાળક મળી આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે બાળકને સારવાર અર્થે ઓઢવ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં બાળકને સારવાર માટે લઈ ગયા હતા.
સોલા સિવિલ હોસ્પિટલમાં સગીરા તેનાં દાદીની સારવાર માટે આવેલી હતી. તે દરમ્યાન OT આસિસ્ટન્ટ તરીકે કામ કરતા મહેશ ઠાકોરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ સગીરા ગર્ભવતી બની હતી. સગીરા ગર્ભવતી બનતા સગીરાએ ભ્રુણનો શહેર કોટડા વિસ્તારમાં નિકાલ કર્યો હતો. જે અંગેની જાણ પોલીસને થતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો.આ બાબતે સોલા પોલીસે સોલા હોસ્પિટલમાં OT આસિસ્ટન્ટ તરીકે કામ કરતા મહેશ ઠાકોર વિરૂદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સગીરા દ્વારા ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવી ભ્રુણને શહેર કોટડા વિસ્તારમાં ત્યજી દેતા આ મામલે શહેર કોટડા પોલીસે સગીરા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.