રાજ્યસભામાં ગઈકાલે દિલ્હી સર્વિસ બિલને લઈને હોબાળો થયો હતો, જેમાં અંતે એનડીએ ગઠબંધનનો વિજય થયો હતો એટલે રાજ્યસભામાંથી પણ દિલ્હી સર્વિસ બિલ પાસ થઇ ગયું છે. આ બીલને રોકવા માટે ઈન્ડિયાવિપક્ષી મહાગઠબંધને પૂરી તાકાત લગાવી દીધી હતી છતાં તે આ બીલને રોકવામાં સફળ થઇ શકી નહીં. એનડીએના ૧૩૧ મતો સામે તેને માત્ર ૧૦૨ મત મળ્યા હતા, પરંતુ કોંગ્રેસે મતદાનમાં દરેક મત માટે સખત લડત આપી હતી. તેમણે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહેલા ૯૦ વર્ષીય પૂર્વ પીએમ મનમોહન સિંહને પણ ગૃહમાં મતદાન કરવા આમંત્રણ આપ્યું હતું.
સમગ્ર ચર્ચા અને મતદાન દરમિયાન મનમોહન સિંહ વ્હીલચેર પર બેઠેલા જાેવા મળ્યા હતા. દરમિયાન આને લઈને રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કર્યા ઉપરાંત મનમોહન સિંહની ઉંમર અને નાદુરસ્ત તબિયત છતાં તેને ગૃહ બોલાવવા અમાનવીય ગણાવ્યા હતા.
ભાજપે ટ્વીટ કરીને કહ્યું કે, દેશ કોંગ્રેસના આ પાગલપણાને યાદ રાખશે! કોંગ્રેસે ભૂતપૂર્વ વડાપ્રધાનને મોડી રાત્રે ગૃહમાં વ્હીલચેર પર બેસાડીને આવી તબિયતમાં પણ રાખ્યા, તે પણ માત્ર તેમના બેઈમાન ગઠબંધનને જીવંત રાખવા માટે! બહુ શરમજનક વાત કહેવાય. આની સામે જવાબ આપતાં કોંગ્રેસે મનમોહન સિંહના આગમનને બંધારણના સન્માન સાથે જાેડ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે કહ્યું, “લોકશાહી માટે ડૉ. સાહેબનું આ સમર્પણ દર્શાવે છે કે તેમને દેશના બંધારણમાં કેટલી શ્રદ્ધા છે.”
શ્રીનેતે આ વાતને ભાજપના સીનીયર નેતાઓના સન્માન સાથે પણ જાેડી છે. તેમણે લખ્યું, ‘એ સમયે જ્યારે ભાજપે તેના સીનીયરોને માનસિક કોમામાં મોકલી દીધા છે, ત્યારે મનમોહન સિંહ અમારા પ્રેરણા અને હિંમત છે. કોંગ્રેસ ઉપરાંત રાઘવ ચઢ્ઢાએ પણ મનમોહન સિંહના જાેરદાર વખાણ કર્યા છે. રાઘવે લખ્યું, ‘મનમોહન સિંહ રાજ્યસભામાં બ્લેક ઓર્ડિનન્સ વિરુદ્ધ અમારા માટે મશાલ બનીને બેઠા હતા. લોકશાહી અને બંધારણ પ્રત્યે તેમનું સમર્પણ આપણા માટે પ્રેરણારૂપ છે. અમે તેમના પ્રત્યે અમારું આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.
વિપક્ષે રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલને રોકવા માટે પૂરેપૂરી ફિલ્ડિંગ લગાવી દીધી હતી, પરંતુ તેમ છતાં તે એનડીએવિરુદ્ધ માત્ર ૧૦૨ વોટ મેળવી શક્યું હતું. હાલમાં રાજ્યસભામાં ૨૩૮ સાંસદો છે, જ્યારે ૭ બેઠકો ખાલી છે. મનમોહન સિંહ ઉપરાંત ઝારખંડ મુક્તિ મોરચાના સંસ્થાપક શિબુ સોરેન પણ ખરાબ તબિયત હોવા છતાં ગૃહમાં આવ્યા હતા. જણાવી દઈએ કે બીજેડી અને વાયએસઆર કોંગ્રેસના સમર્થનને કારણે બીજેપીના નેતૃત્વમાં એનડીએને મોટી લીડ મળી છે. આ સિવાય ટીડીપીને પણ એક વોટ મળ્યો હતો. આ રીતે વિપક્ષની એકતા બાદ પણ ભાજપનો વિજય થયો હતો.