ચેન્નઈના એક ફૂડ ડિલીવરી બોયની કિસ્મત ત્યારે ચમકી જયારે તેને સીધા ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફમાં સામેલ કરી લેવામાં આવ્યો હતો. ૨૯ વર્ષીય લોકેશ કુમાર ૪૮ કલાકની અંદર ફૂડ ડિલીવરી બોયથી ઇન્ટરનેશનલ ક્રિકેટના સપોર્ટ સ્ટાફ સાથે જાેડાઈ ગયો હતો. લોકેશ વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ માટે નેધરલેન્ડ્સની ટીમ સાથે જાેડાયો છે. તે નેટ બોલર તરીકે ટીમ સાથે પ્રેક્ટિસ કરશે અને અલૂરમાં શરુ થનાર પ્રી-વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સમના બેટ્સમેનોને સ્પિન બોલિંગનો સામનો કેવી રીતે કરવો તે શીખવશે.
લોકેશ કુમાર ૫ વર્ષથી ડિલીવરી બોય તરીકે કામ કરી રહ્યો છે.
નેધરલેન્ડ્સની ટીમે નેટ બોલર માટે એક જાહેરાત બહાર પડી હતી. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલરથી ચાઈનામેન બનેલા લોકેશનું સિલેકશન ૧૦ હજાર બોલરનું મૂલ્યાંકન કર્યા બાદ કરવામાં આવ્યું હતું.લોકેશે એક ઈન્ટરવ્યું દરમિયાન કહ્યું હતું કે, આ મારા કરિયરની સૌથી કિંમતી ક્ષણોમાંથી એક છે. હું હજુ સુધી ટીએનસીએ થર્ડ ડિવિઝન લીગમાં પણ નથી રમ્યો. લોકેશ ગઈકાલે જ નેધરલેન્ડ્સની ટીમના કેમ્પમાં સામેલ થયો હતો. તેણે કહ્યું કે, હું ૪ વર્ષ સુધી પાંચમા ડિવિઝનમાં રમ્યો છું અને વર્તમાન સિઝન માટે ચોથા ડિવિઝનની સંસ્થા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. નેધરલેન્ડ્સ ટીમ દ્વારા નેટ બોલર તરીકે પસંદ થયા બાદ મને લાગે છે કે આખરે મારી પ્રતિભાને ઓળખ મળી ગઈ છે.
લોકેશે વધુમાં કહ્યું હતું કે, ફૂડ ડિલીવરી બોય તરીકે કામ કરાવું અપ્રત્યક્ષ રીતે મને ક્રિકેટર તરીકે પોતાને વિકસાવવામાં મદદ કરી રહ્યું છે. કોલેજ પછી મારું ધ્યાન ક્રિકેટ પર હતું. હું ૪ વર્ષ સુધી ક્રિકેટ રમ્યો. પછી વર્ષ ૨૦૧૮માં નોકરી કરવાનો ર્નિણય કર્યો. મારી પાસે આયનું અન્ય કોઈ સાધન નથી.