ગુજરાતમાં છાસવારે એજન્ટની મદદથી ગેરકાયેદસર રીતે અમેરિકા કે કેનેડા જનારા લોકોનો જીવ જાેખમમાં મૂકાતો હોવાની ઘટના બનતી હોય છે ત્યારે વધુ એક કિસ્સો ભરૂચનો સામે આવ્યો છે. એજન્ટની મદદથી ભરૂચની મહિલા વિદેશ જવા નીકળી હતી તે મસ્કતમાં ફસાઈ છે. આ મહિલાને હવે પોતાને વેચી દેવામાં આવશે અને તેના પર ભારે યાતનાઓ ભોગવવામાં આવશે તે બાબતનો ડર સતાવી રહ્યો છે. મહિલાએ વિદેશ જતા જે મુશ્કેલીઓ વેઠવી પડી છે તે બાદ પોતાને ભારત સરકાર દ્વારા બચાવી લેવામાં આવે તેવી ઈચ્છા વીડિયોમાં વ્યક્ત કરી છે. ભરૂચથી નોકરીની લાલચે વિદેશ જવા માટે નીકળેલી તસ્લીમા ઈલિયાસ પટેલ પર ભારે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે, તસ્લીમાને શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવી રહી છે. પોતાના પર આવી પડેલા આફતના કારણે હવે મહિલાએ વીડિયો શેર કરીને આપવીતી જણાવી છે. જેમાં તસ્લીમા કહે છે કે, હું ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના નાડેરા ગામની છું, ઈન્દોરના એજન્ટ અને એક મહિલાએ મને ફસાવી દીધી છે, આ લોકો કામના બહાને લાવીને વેચવાની કોશિશ કરી રહ્યા છે. મને બે દિવસ ઓફિસમાં રાખીને ભારત મોકલવાની વાત કરવામાં આવી હતી પરંતુ હવે ભારત મોકલવાની ના પાડવામાં આવી રહી છે. તસ્લીમાએ જણાવ્યું કે હવે મને અહીં ટોર્ચર કરવામાં આવી રહી છે, મારી સાથે મારઝૂડ કરવામાં આવી રહી છે, મને ખાવા પીવાનું આપવામાં આવી રહ્યું નથી, મને ફોન પણ ચાર્જ કરવામાં દેતા નથી. મને જબરજસ્તી બીજે મોકલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મારી સાથે શું થવાનું છે એ મને ખબર નથી પણ મને બહુ જ ડર લાગી રહ્યો છે. તસ્લીમા ભારતના લોકો તથા વડાપ્રધાન પાસે મદદ માગી રહી છે. તસ્લીમાને માર મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ વીડિયોમાં કર્યો છે, પોતાને બચાવી લેવાની વાત કરતી મહિલા અંતમાં આજીજી કરતા રડી પડી હતી, પોતાને અહીંથી બહાર કાઢીને ભારત દેશમાં પરત લઈ જવામાં આવે તેવી સતત વિનંતી મહિલા દ્વારા કરવામાં આવી રહી હતી. મહત્વનું છે કે અગાઉ પંકજ પટેલ અને નિશા પટેલ પણ ગેરકાયદે અમેરિકા જવાની લાલચે ઈરાનમાં ફસાયા હતા. દિગંત સોમપુરા કે જેઓ વિદેશની બાબતોના એક્સપર્ટ છે તેઓ જણાવે છે કે, વિદેશ જવાના ઘણાં સાચા રસ્તા છે અને તેનો ઉપયોગ કરવો આમ ખોટું પગલું ભરવાથી મુશ્કેલીઓ ઉભી થતી હોય છે. તમારું એજ્યુકેશન બેગ્રાઉન્ડ, સ્કીલ વગેરેના આધારે વિદેશ જવાના પ્રયાસ કરવા જાેઈએ. રૂપિયા કમાવવાની લાલચ અને ગેરકાયદે વિદેશ જવાના અનેક કિસ્સાઓ આવ્યા છે અને આ પ્રકારના એજન્ટો પર વિશ્વાસ ન કરવાની વાત એક્સપર્ટ દ્વારા કરવામાં આવે છે આમ છતાં લોકો એજન્ટની વાતોમાં આવી જાય છે અને ફસાયઈ છે. તાજેતરમાં મહેસાણાના યુવક સહિત ૯ લોકો કેરેબિયન ટાપુ પર ફસાયા હતા અને તેમની સાથે શું થયું તે હજુ મોટો સવાલ બનીને બેઠો છે.
