રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે જયપુરમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે મણિપુર હિંસા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે પીએમ મોદીએ સંસદના ચોમાસુ સત્ર પહેલા પોતાના નિવેદનથી રાજસ્થાનની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
ગેહલોતે કહ્યું કે જે રીતે પીએમ મોદીએ કહ્યું કે રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું ધ્યાન રાખવું જાેઈએ, તેનાથી રાજસ્થાનની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનની નિષ્ફળતાઓથી જનતા દુખી છે.
અશોક ગેહલોતે કહ્યું કે જાે પીએમ મોદી મણિપુર ન જઈ શકે તો તેમણે એક બેઠક બોલાવીને મણિપુરની સ્થિતિની સમીક્ષા કરવી જાેઈતી હતી. મેં પહેલીવાર જાેયું છે કે વડાપ્રધાન ચૂંટણી માટે કર્ણાટક, રાજસ્થાન અને અન્ય સ્થળોની મુલાકાતે છે, પરંતુ મણિપુરની નહીં.
રાજસ્થાનના મુખ્યમંત્રીએ કહ્યું કે મણિપુરમાં ભાજપની સરકાર છે. વિચારો કે જાે કોંગ્રેસ ત્યાં સત્તામાં હોત તો તેઓએ શું કહ્યું હોત. રાજેન્દ્ર સિંહ ગુડાને મંત્રી પદ પરથી હટાવવાના સવાલ પર અશોક ગેહલોતે કહ્યું કે આ અમારી પાર્ટીનો આંતરિક મામલો છે. અમે આ વિશે અમારી રીતે ચર્ચા કરીએ છીએ.