ટ્રમ્પના કડક વલણને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં 8%નો વધારો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને રોકવાની ધમકી આપ્યા બાદ વૈશ્વિક તેલ બજારમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ની કિંમતો ફરી એકવાર પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી ગઈ છે. સીએનએનના અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ લગભગ 8% વધીને 102 ડોલર પર પહોંચી ગયું છે, જ્યારે અમેરિકન ક્રૂડ ઓઈલ પણ 8% ના વધારા સાથે પ્રતિ બેરલ 104 ડોલરના સ્તરે ટ્રેડ થતું જોવા મળ્યું હતું.
તેલના ભાવમાં થયેલા આ વધારાની અસર શેરબજારો પર પણ પડી છે. ડાઉ ફ્યુચર્સ 502 પોઈન્ટના ઘટાડા સાથે નીચે આવ્યું છે, જ્યારે એસએન્ડપી 500 અને નેસ્ડેક ફ્યુચર્સમાં પણ 1% થી વધુનો ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ઈરાનને તેની પસંદગીના દેશોને તેલ વેચવાની મંજૂરી આપશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કાં તો વેપાર બધા માટે ખુલ્લો રહેશે અથવા કોઈના માટે નહીં.
આ સંઘર્ષની વચ્ચે ઈરાનને આર્થિક ફાયદો પણ થયો છે. અહેવાલો અનુસાર, ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી જહાજ દીઠ 20 લાખ ડોલર સુધીની ફી વસૂલી રહ્યું છે. આ સાથે જ માર્ચ સુધીમાં ઈરાને સરેરાશ 18.5 લાખ બેરલ પ્રતિદિન ક્રૂડ ઓઈલની નિકાસ કરી છે, જે અગાઉના મહિનાઓ કરતા વધુ છે. વર્ષ 2026 ની શરૂઆતમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત 61 ડોલર પ્રતિ બેરલ હતી, જે માર્ચના અંતમાં વધીને 118 ડોલર પર પહોંચી ગઈ હતી. કિંમતોમાં આ વધારો 1988 પછીનો સૌથી મોટો ત્રિમાસિક વધારો માનવામાં આવે છે.
