Notice
આવકવેરા ખાતાએ આવકવેરા ધાારની કલમ 142(1) હેઠળ કરદાતાઓને નોટિસ આપીને તેમની પાસેથી તમે મહિને રસોડામાં કેટલો ખર્ચ કરો છો? તેની વિગત માંગી છે. આ નોટિસોમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, તમે રસોડાનો જે ખર્ચ દર્શાવ્યો છે તે ઓછો લાગે છે, તેથી તમારા પરિવારના દરેક સભ્યની આવક કેટલી છે તેની વિગતો આવકવેરા કચેરીને જણાવો. આ પ્રકારે વિચિત્ર વિગતોની માંગણી કરતી હજારો નોટિસો ઇશ્યૂ કરવામાં આવી છે.
ઘઉંનો લોટ ખરીદવા પાછળ, ચોખા અને મસાલા ખરીદવા માટે, તેલ, ગેસ અને વીજળીના બિલ ભરવા માટે કેટલો ખર્ચ કર્યો તેની વિગતો આપવા કરદાતાઓને જણાવવામાં આવ્યું છે. આ જ રીતે વર્ષ દરમિયાન કરદાતાએ કપડાં ખરીદવા માટે કેટલો ખર્ચ કર્યો તેની વિગતો પણ આપવાની સૂચના આપવામાં આાવી છે. તેમજ વર્ષ દરમિયાન તમે વાળ કપાવવા માટે, સામાજિક પ્રસંગો માટે, વિદ્યાર્થીઓની ફી પેટે કેટલો ખર્ચ કર્યો છે તેની વિગતો જણાવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓના ચોપડાં ખરીદવા માટે, ભાડાં પેટે, કાર દોડાવવા માટે કેટલો ખર્ચ કર્યો અને કાર વીમો અને આરોગ્ય વીમો લેવા માટે કેટલો ખર્ચ કર્યો તેની વિગતો આપવા જણાવવામાં આવ્યું છે. આ સિવાય કરદાતાઓને આપવામા આવેલી નોટિસમાં જોડાની પૉલીશ કરાવવા માટે તમે કેટલો ખર્ચ કર્યો તેની વિગતો જાહેર કરવા પણ જણાવવામાં આવ્યું છે. કરદાતા આ તમામ ખર્ચની અલગ-અલગ વિગતો પૂરી ન પાડે કે પછી પરિવારના અન્ય સભ્યની આવકની વિગતો પુરાવા સાથે ન આપે તો તેવા સંજોગમાં તેમણે ઘરખર્ચ માટે વર્ષે 10 લાખનો ઉપાડ કર્યો હોવાનું માની લેવામાં આવશે, તેવું નોટિસમાં જણાવવામાં આવ્યું છે.