T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. આ વખતે આ ટૂર્નામેન્ટ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. તમામ ટીમો થોડા દિવસો પછી T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી શકે છે. આ વખતે, એક ખેલાડી T20 વર્લ્ડ કપ 2024 માટે પાકિસ્તાનની ટીમમાં વાપસી કરી શકે છે, જેણે પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. આ મજબૂત ખેલાડીએ પાકિસ્તાન સુપર લીગ 2024 બાદ પાકિસ્તાનની ટીમમાં વાપસી કરવાનો સંકેત આપ્યો છે.
શું આ ખેલાડી તેની નિવૃત્તિ પાછી લેશે?
તાજેતરમાં જ પાકિસ્તાન સુપર લીગ 2024નું સમાપન થયું છે. જેમાં ઈસ્લામાબાદ યુનાઈટેડએ મુલતાન સુલ્તાનને હરાવીને ત્રીજી વખત ટાઈટલ જીત્યું હતું. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ઈમાદ વસીમે ઈસ્લામાબાદ યુનાઈટેડની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ફાઈનલ મેચમાં ઈમાદ વસીમે બોલિંગમાં 5 વિકેટ અને બેટિંગમાં 19 અણનમ રન બનાવ્યા હતા. જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.
હવે ઇમાદ વસીમે નિવૃત્તિ પાછી ખેંચી ફરી પાકિસ્તાન ટીમ માટે રમવાનો સંકેત આપ્યો છે. આ અંગે ઈમાદ વસીમે કહ્યું છે કે જો દેશને મારી જરૂર પડશે તો હું હંમેશા ઉપલબ્ધ રહીશ, મને તેનાથી કોઈ વાંધો નથી. મેં પાકિસ્તાન તરફથી રમતી વખતે મારું નામ બનાવ્યું છે.
PSL 2024 વિજેતા ટીમના કેપ્ટન શાદાબ ખાને પણ T20 વર્લ્ડ કપ 2024માં ઇમાદ વસીમની વાપસી અંગે નિવેદન આપ્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે શાદાબને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે જો કોઈ તેની સાથે વાત કરશે તો મને લાગે છે કે તે પાછો આવશે.