સની દેઓલની ફિલ્મ ગદર ૨ સુપરહિટ જઈ રહી છે. આ ફિલ્મ એક પછી એક રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મ રિલીઝ થયાને બીજું વીકએન્ડ પણ પૂરું થયું છે. જેમાં પણ ફિલ્મ અદભુત પ્રદર્શન કર્યું છે. ગદર ૨ એ બીજા વીકએન્ડમાં જબ્બર કમાણી કરી રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ ગદરઃ એક પ્રેમ કથાએ પણ બોક્સ ઓફિસ પર દમદાર દેખાવ કર્યો હતો. હવે ગદર ૨નું કલેક્શન પણ દમદાર જાેવા મળી રહ્યું છે. ટ્રેન્ડ એનાલિસ્ટ તરણ આદર્શના મત મુજબ અત્યાર સુધીમાં આ ફિલ્મ ૩૭૫ કરોડ રૂપિયાની તોતિંગ કમાણી કરી ચૂકી છે. આ સાથે બીજા વીકએન્ડમાં તેણે ૯૦ કરોડની કમાણી કરી છે. હિન્દી સિનેમા માટે આ કમાણી નવો બેંચમાર્ક છે.
આ ફિલ્મે પઠાન, દંગલ, સંજુ, બાહુબલીઃ ધ કન્ક્લુઝન અને KGF ચેપ્ટર ૨ સહિતની ફિલ્મોને બીજા વીકએન્ડની કમાણીમાં પાછળ છોડી દીધી છે. સામાન્ય રીતે બોક્સ ઓફિસ વીકએન્ડની ગણતરી શુક્રવારથી રવિવાર સુધી કરવામાં આવે છે. તરણ આદર્શ કહે છે કે, ગદર ૨ની કમાણી આસમાનને આંબી રહી છે. હિન્દી સિનેમામાં અત્યાર સુધીના બીજા વીકએન્ડમાં થયેલું આ કલેક્શન નવો બેંચમર્ક છે. આ ફિલ્મે બીજા વીકએન્ડના શુક્રવારે રૂ.૨૦.૫૦ કરોડ, શનિવારે રૂ.૩૧.૦૭ કરોડ અને રવિવારે રૂ.૩૮.૯૦ કરોડની કમાણી કરી છે. તરણ આદર્શે પોસ્ટમાં લખ્યું છે કે, ગદર ૨ એ બીજા વીકએન્ડ (શુક્રવારથી રવિવાર)માં તોતિંગ વકરો કરી ૫ સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મોના રેકોર્ડને તોડ્યો છે.
ગદર ૨ એ સ્વતંત્રતા દિવસની સૌથી વધુ કમાણીનો રેકોર્ડ પણ બનાવ્યો છે. તેનો રેકોર્ડ વધુ બહોળો હોત, પણ ૧૫ ઓગસ્ટના રોજ થીયેટર ક્ષમતાના મુદ્દાનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે માગ મુજબ પુરવઠો નહોતો. ઉલ્લેખનીય છે કે, ગદર ૨ અક્ષય કુમારની OMG 2ની સાથે એક જ દિવસે રિલીઝ થઈ હતી. ગદર ૨ સની દેઓલ અને અમીષા પટેલની ૨૦૦૧ની ગદરઃ એક પ્રેમ કથાની સિક્વલ છે. સનીએ તારા સિંહ અને અમિષાએ સકીનાની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ અનિલ શર્મા ડિરેક્ટર કરી છે. ગદર ૨માં તારા-સકીનાના પુત્ર તરીકે ઉત્કર્ષ શર્મા છે અને તેની સામે હિરોઈન તરીકે સિમરત કૌર છે.