દેશમાં જ નિર્મિત હળવા લડાકૂ વિમાન (એલસીએ) એલએસપી-૭ તેજસે બુધવારે ગોવાના કિનારેથી હવામાંથી હવામાં પ્રહાર કરતી અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. અધિકારીઓએ કહ્યું કે આશરે ૨૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ વિમાન દ્વારા મિસાઈલનું સફળ પરીક્ષણ કરાયું હતું. ગોવાના દરિયા કિનારે સ્વદેશી બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ(બીવીઆર), હવામાંથી હવામાં જ પ્રહાર કરતી મિસાઈલ અસ્ત્રનું સફળ પરીક્ષણ કરાયું હતું. પરીક્ષણ સંબંધિત તમામ ઉદ્દેશ્યો પૂરાં થયા હતા અને આ એક આદર્શ તથા સચોટ લોન્ચિંગ રહ્યું હતું.
આ વિમાનનું નિરીક્ષણ તેજસ ટિ્વન સીટર વિમાન દ્વારા કરાયું હતું.
અસ્ત્ર એક અત્યાધુનિક બીવીઆર હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ છે જે અત્યાધિક કલાબાજીવાળા સુપરસોનિક હવાઈ લક્ષ્યોને ભેદવા અને નષ્ટ કરવામાં સક્ષમ છે.આ મિસાઈલ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી (ડીઆરડીએલ), રિસર્ચ સેન્ટર ઈમારત (આરસીઆઈ) અને અન્ય પ્રયોગશાળાઓ દ્વારા ડિઝાઈન તથા વિકસિત કરાઈ છે. ડીઆરડીઓના ઘરેલુ તેજસ લડાકૂ વિમાનથી સ્વદેશી અસ્ત્ર બીવીઆર પરીક્ષણ આર્ત્મનિભર ભારતની દિશામાં એક મોટું પગલું છે.
