Pakistan
Pakistan; મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડના મામલે પાકિસ્તાન દુનિયાના સૌથી પછાત દેશોમાં સામેલ છે અને હવે અહીં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી અહીં ઈન્ટરનેટ સ્લોડાઉન છે, જેના કારણે લોકો ન તો કોઈ ફાઈલ શેર કરી શકતા નથી અને ન તો કંઈપણ ડાઉનલોડ કરી શકતા હતા. લોકોને વોટ્સએપ પર ટેક્સ્ટ મેસેજ મળી રહ્યા છે, પરંતુ તેઓ કોઈ ફોટો કે વીડિયો ડાઉનલોડ કરી શકતા નથી. મોબાઈલ ઈન્ટરનેટની સાથે વાઈ-ફાઈ પણ કામ કરતું નથી. અહીંની સરકારનું કહેવું છે કે આ સમસ્યાને ઠીક કરવામાં 3 મહિનાનો સમય લાગશે.
પાકિસ્તાનમાં ઈન્ટરનેટની સ્પીડ કેમ ઓછી થઈ?
મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડના સંદર્ભમાં 111 દેશોમાંથી પાકિસ્તાન 100મા ક્રમે છે અને બ્રોડબેન્ડ સ્પીડના સંદર્ભમાં 158માંથી 141મા ક્રમે છે. હવે અહીં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે કારણ કે પાકિસ્તાન સરકાર ચીનમાં બનેલ નેશનલ ઈન્ટરનેટ ફાયરવોલ ઈન્સ્ટોલ કરી રહી છે. આમાં સરકાર ઈન્ટરનેટ ટ્રાફિકને નિયંત્રિત અને મોનિટર કરવા માટે કેટલાક હાર્ડવેર અને સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવા જઈ રહી છે. તે ડિજિટલ ગેટકીપરની જેમ કામ કરશે.
આ નેશનલ ફાયરવોલ ઈન્ટરનેટ સેવા પૂરી પાડતી કંપનીઓના સર્વર પર પણ ઈન્સ્ટોલ કરવામાં આવી રહી છે. તેની મદદથી સરકારને લોકો વચ્ચેના ડિજિટલ સંચારને શોધવા અને તેને ધીમું કરવા માટે નિયંત્રણ મળશે.
“સમસ્યા દૂર થવામાં 3 મહિના લાગશે”
પાકિસ્તાન સોફ્ટવેર હાઉસ એસોસિએશનના વડા સજ્જાદ મુસ્તફા સઈદે કહ્યું કે ઈન્ટરનેટ સ્પીડનો મુદ્દો ત્રણ મહિનામાં ઉકેલાઈ જશે. તેણે વધુમાં કહ્યું કે જો તમને વોટ્સએપ પર ટેક્સ્ટ મેસેજ મળે છે અને તેમાં ફોટો દેખાતો નથી, તો તેનો અર્થ એ છે કે મોનિટરિંગ ચાલુ છે.
જુલાઈ-ઓગસ્ટમાં ટ્રાયલ યોજાઈ હતી
પાકિસ્તાન સરકારે પણ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે તે ‘વેબ મેનેજમેન્ટ સિસ્ટમ’ને અપગ્રેડ કરી રહી છે. આ માટે તેણે પહેલી ટ્રાયલ જુલાઈમાં અને બીજી ઓગસ્ટમાં કરી હતી. ત્યારે પણ ઈન્ટરનેટ સ્પીડ પર અસર થઈ હતી, પરંતુ તેનું કારણ ત્યારે જણાવવામાં આવ્યું ન હતું.