ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં રાજ્ય સરકાર સંચાલિત નિવાસી શાળાની છાત્રાલયની ઓચિંતી તપાસ દરમિયાન ૧૦૦ રજિસ્ટર્ડ છોકરીઓમાંથી માત્ર ૧૧ જ હાજર મળી આવી હતી અને ૮૯ છોકરીઓ કથિત રીતે ગુમ થઈ હોવાનું જાણવા મળતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે હોસ્ટેલના વોર્ડન સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટ નેહા શર્માએ સોમવારે મોડી રાત્રે પારસપુરમાં કસ્તુરબા ગાંધી રેસિડેન્શિયલ ગર્લ્સ સ્કૂલમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ રેસિડેન્શિયલ ગર્લ્સ સ્કૂલમાં કુલ ૧૦૦ વિદ્યાર્થીનીઓ નોંધાયેલી છે, પરંતુ શાળામાં માત્ર ૧૧ વિદ્યાર્થિનીઓ હાજર જાેવા મળી હતી.
વોર્ડન સરિતા સિંહને જ્યારે ૮૯ વિદ્યાર્થિનીઓની ગેરહાજરી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. જિલ્લા મેજિસ્ટ્રેટે બેદરકારી માટે જવાબદારોને ઠપકો આપ્યો હતો. “આ ગંભીર બેદરકારી છે.
રહેણાંક કન્યા શાળાઓ આ રીતે ચલાવી શકાતી નથી,” એમ જણાવતા જિલ્લા મેજિસ્ટ્રેટે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. તેમણે છાત્રાલયમાં હાજર ૧૧ વિદ્યાર્થીનીઓ સાથે વાત કરી હતી તેમ જ શાળામાં આપવામાં આવતી સુવિધાઓનો સ્ટોક લીધો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચના પર, શાળાના વોર્ડન, એક પૂર્ણ-સમય શિક્ષક, એક ચોકીદાર અને તૈનાત પ્રાંતીય રક્ષા દળ (પીઆરડી) જવાન વિરુદ્ધ એફઆઈઆરદાખલ કરવામાં આવી હતી.