જામનગર શહેરને પીવાનુ પાણી પુરતા પાડતા મુખ્ય ડેમમાં રણજીતસાગર તથા સસોઈ ડેમ આવેલા છે. રણજીતસાગર ડેમ વરસાદના બીજા રાઉન્ડમાં ઓવરફલો થયો હતો. અને વરસાદના ત્રીજા રાઉન્ડમાં સસોઈ પણ છલોછલ થયો છે. બુધવારે લાલપુર તથા આસપાસના વિસ્તારમાં થયેલા સારા વરસાદના કારણે રસોઈ ડેમ જે ૪૦ ટકા સુધી ભરાયેલ હતો. તે એક દિવસમાં ૧૦૦ ટકા પુર્ણ ભરાયો. રાત્રીના આશરે ૧૦ વાગ્યે સસોઈ ડેમ છલોછલ થયો હતો.
સસોઈ ડેમમાંથી જામનગર શહેર તથા આસપાસના અનેક ગામને પીવા માટે તથા સિંચાઈ માટે પાણી મળતુ રહે છે. સસોઈ સિંચાઈ યોજના જામનગર તાલુકાના ખારા બેરાજા, દોઢીયા, જીવાપર, ગાડુકા, બાલંભડી, આમરા, વસઈ, સરમત, લાખાબાવળ, નાધેડી ગામનો સમાવેશ થાય છે. તેમજ લાલપુર તાલુકાના પીપળી, ડેરાછીકારી, નવાગામનો સમાવેશ થાય છે..
જેમાં કુલ જામનગર તાલુકાના ૧૦ અને લાલપુર તાલુકાના ૩ મળીને ૧૩ ગામોને તેમજ મહાનગર જામનગર અને બે ખાનગી કંપનીને પીવાનુ પાણી આપે છે. આ ઉપરાંત ૧૩ જેટલા ગામનો કેનાલ મારફતે સિંચાઈ માટે સસોઈ ડેમ આર્શીવાદરૂપ છે. હાલ ડેમ ૨ ફુટની સપાટીએ ઓવરફલો થયો છે. હજુ પણ ઉપરવાસમાં વરસાદી વાતાવરણ હોવાથી પાણીનુ સ્તર વધે છે.
તેથી બુધવાર મોડી રાત્રીથી નીચાણવાળા વિસ્તારમાં આવેલા ૧૦ જેટલા ગામને સાવચેત રહેવા તંત્ર દ્રારા અપીલ કરવામાં આવી છે. જેમાં આમારા, બાલંભડી, દોઢીયા, ગાડુકા, સરમત, શાપર, વસઈ, બેડ, રસુરનગર, જીવાપર અને લાલપુર તાલુકાના પીપળી, ડેરાછીકારી અને કાનાછીકારી ગામને એલર્ટ કરાયા છે.
જામનગર શહેરને એકાંતરે પાણી વિતરણ માટે અલગ-અલગ ચાર ડેમમાંથી પાણી મળે છે. જેમાંથી મુખ્ય બે ડેમ રણજીતસાગર અને સસોઈ ડેમ ઓવરફલો થયા છે. જેના કારણે આખુ વર્ષ જામનગર શહેરને પીવાના પાણીની સમસ્યા નહી રહે. તેમજ સસોઈ ડેમમાંથી બે તાલુકાના ૧૩ ગામને નિયમિત પીવાનુ અને સિંચાઈનુ પાણી મળી રહેશે. ડેમ ઓવરફલો થયા નયનરમ્ય અને કૃદરતી નજરો જાેવા ડેમ પર મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે.