Samsung Electronics
Samsung Electronics: સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના સહ-સીઈઓ હાન જોંગ-હીનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. કંપનીએ મંગળવારે આ માહિતી આપી. ૬૩ વર્ષીય હાન ૨૦૨૨માં દક્ષિણ કોરિયાની સૌથી મોટી કંપની સેમસંગના સીઈઓ બન્યા હતા અને કંપનીના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલ ડિવાઇસ વિભાગનું પણ નેતૃત્વ કરી રહ્યા હતા. હવે કંપનીની જવાબદારી જુન યંગ-હ્યુન પર છોડી દેવામાં આવી છે. ગયા અઠવાડિયે જ તેમને કંપનીના સહ-સીઈઓ બનાવવામાં આવ્યા હતા. કંપનીએ હજુ સુધી હાનના ઉત્તરાધિકારી અંગે નિર્ણય લીધો નથી.
કંપનીએ જણાવ્યું હતું કે હાર્ટ એટેક આવ્યા બાદ, હાનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. કંપનીના બોર્ડમાં રહેલા હાન લગભગ 40 વર્ષ પહેલાં સેમસંગમાં જોડાયા હતા અને ટેલિવિઝન વ્યવસાયમાં પોતાની કારકિર્દી બનાવી હતી. નિષ્ણાતો કહે છે કે સેમસંગના ટીવી વ્યવસાયને વિશ્વભરમાં પ્રખ્યાત બનાવવામાં હાનનો મોટો ફાળો હતો. તેમના નિધનથી કંપની પર ઊંડી અસર પડશે. ઘણા નિષ્ણાતો કહે છે કે હાનના જવાથી કંપની તેના હોમ એપ્લાયન્સ ડિવિઝનના પ્રદર્શનને સુધારવા માટે જે પગલાં લઈ રહી હતી તેને ફટકો પડ્યો છે.
હાને ગયા અઠવાડિયે શેરધારકો સાથે એક બેઠક યોજી હતી. આમાં તેમણે જણાવ્યું કે 2025 કંપની માટે મુશ્કેલ વર્ષ બનવાનું છે. અહીં તેમણે કંપનીના પ્રદર્શન અપેક્ષા મુજબ ન રહેવા બદલ રોકાણકારોની માફી માંગી. તેમણે કહ્યું હતું કે સેમસંગ ઝડપથી વિકસતા AI સેમિકન્ડક્ટર માર્કેટમાં પોતાની હાજરી દર્શાવવામાં નિષ્ફળ રહ્યું છે. રોકાણકારોએ તેમને આ અંગે ઘણા કઠિન પ્રશ્નો પણ પૂછ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાન બુધવારે કંપનીના એક કાર્યક્રમમાં હાજરી આપવાના હતા, જ્યાં સેમસંગ ઘરેલુ ઉપકરણોના નવા ઉત્પાદનો લોન્ચ કરવા જઈ રહ્યું છે.