ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ફરી એક વખત વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. ત્યારબાદ રાજ્યમાં રાજકારણ ગરમાયુ છે. સોમવારે સ્વામી પ્રસાદે ટ્વીટર પર લખ્યું હતું કે, બ્રાહ્મણવાદના મૂળ ઊંડા છે અને તે જ આ તમામ પ્રકારની અસમાનતાનું કારણ છે. આ નિવેદન બાદ કોંગ્રેસ નેતા પંડિત ગંગા રામ શર્માએ એક લેટર જારી કર્યો છે. આ લેટરમાં તેમણે સ્વામી પ્રસાદ મૌર્યની જીભ કાપનારને ઈનામ આપવાની ઘોષણા કરી છે. આ ઈનામ પણ ૧૦ લાખ રૂપિયાનું છે.
માનવ અધિકાર વિભાગના જિલ્લા અધ્યક્ષ પંડિત ગંગારામ શર્માએ સપા નેતા સ્વામી પ્રસાદ મોર્ય દ્વારા હિન્દુ ધર્મને અપમાનિત કરીને ધાર્મિક પુસ્તક રામચરિતમાનસની નિંદા કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, જરૂર પડવા પર તે પોતાના ધર્મ માટે જીવ પણ આપી દેશે. સપા નેતા દ્વારા શ્રી રામચરિતમાનસ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ કોંગ્રેસ નેતા દ્વારા સપા નેતાની જીભ કાપનારને ઈનામ આપવાનું એલાન કર્યું છે. રામચરિતમાનસ પર સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય દ્વારા વારંવાર નિવેદનો આપીને વિવાદ વધારવાનો આરોપ છે.
સ્વામી પ્રસાદે રામચરિતમાનસમાં દલિતો અને મહિલાઓ વિશે વાત કરીને આરોપ લગાવ્યો કે, તુલસીદાસે આ પુસ્તક માત્ર પોતાના આનંદ માટે લખ્યું હતું. મુરાદાબાદ જિલ્લામાં જિલ્લા કોંગ્રેસ કમિટિના માનવ અધિકાર વિભાગના અધ્યક્ષ ગંગારામ શર્માનો લેટર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સ્વામી પ્રસાદ મૌર્ય દ્વારા હિંદુ ધર્મને લઈને આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન પર કોંગ્રેસના માનવ અધિકારના જિલ્લા અધ્યક્ષે વિવાદાસ્પદ પત્ર જારી કર્યો છે. કોંગ્રસ નેતા પંડિત ગંગારામે કહ્યું કે, સ્વામી પ્રસાદ મૌર્ય માત્ર તુલસીદાસનું જ નહીં પરંતુ રામચરિતમાનસ અને હિન્દુ ધર્મનું અપમાન કરી રહ્યા છે.
હિંદુ ધર્મના અપમાનથી વ્યથિત કોંગ્રેસ નેતાએ સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યના અપશબ્દોને રોકવા માટે આ લેટર જારી કર્યો છે.
બીજી તરફ આ સમગ્ર પ્રકરણ પર જિલ્લા અધ્યક્ષ અસલમનું કહેવું છે કે, કોંગ્રેસ નેતાનું નિવેદન તેમનું અંગત નિવેદન છે. પાર્ટીને આ નિવેદન સાથે કોઈ લેવાદેવા નથી.
