શહેરનાં મણિનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉભા થાય તેવો બનાવ પ્રકાશમાં આવ્યો છે. લૂંટારૂ બિન્દાસ્ત પિસ્તોલ લઈને જ્વેલર્સની દુકાનમાં ઘુસી જાય છે. પિસ્તોલ બતાવીને લૂંટનો પ્રયાસ કરે છે. દુકાનદારે પ્રતિકાર કરતા લૂંટારૂ ફરાર થવાનો પ્રયાસ કરે છે. જાેકે, યુવાનના હાથમાં પિસ્તોલ જાેઈને લોકોએ સતર્કતા વાપરીને તેને ઝડપી લીધો હતો. પરંતુ આ દરમિયાન લોકોને ગભરાવવા માટે તેણે એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યુ હતુ. પરંતુ લોકોએ ડર્યા વગર તેનો સામનો કર્યો અને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. શહેરનાં મણિનગર વિસ્તારમાં સદનસીબે મોટો બનાવ બનતા અટકી ગયો છે. લૂંટનો પ્રયાસ કરીને ભાગેલા લૂંટારૂને પકડવા માટે સ્થાનિકોનું ટોળું તેની પાછળ પડ્યું હતુ. જે જાેઇને લૂંટારું ગભરાઈ ગયો હતો અને લૂંટારૂએ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતુ. લોકોએ તેનો પીછો ના છોડ્યો અને ઝડપીને પોલીસ હવાલે કરી દીધો. લૂંટારૂ લૂંટનાં ઇરાદે જ્વેલરની દુકાનમાં ઘૂસ્યો હતો. જાેકે, તે સફળનાં થતાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું છે કે, લૂંટરું મૂળ રાજસ્થાનના જયપુરનો રહેવાસી છે. છેલ્લા પાંચ વર્ષથી આર્મીમાં ફરજ બજાવે છે.
હાલ તેનું પોસ્ટિંગ જમ્મુ કાશ્મીર હોવાનું જણાવી રહ્યો છે. જેનું નામ લોકેન્દ્ર શેખાવત છે. આરોપીને દેવું થઈ જતાં તે લૂંટનાં ઇરાદે અમદાવાદ આવ્યો હતો. ગઈકાલે સાંજે તે જયપુરથી ટ્રેનમાં બેસી અમદાવાદ આવ્યો હતો. અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાયો હતો. દિવસ ભર ફર્યા બાદ મોડી સાંજે તેણે આ બનાવને અંજામ આપ્યો હતો. જ્યારે પિસ્ટલ તેને કોઈનાં ઝઘડામાં નીચે પડી જવાથી મળી હોવાનુ કહી રહ્યો છે. આ તમામ બાબતો પર પોલીસને હાલ શંકા છે જેથી આ તમામ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી પિસ્તોલ, ત્રણ કારતૂસ પણ જપ્ત કર્યા છે. આરોપી હકીકતમાં આર્મીમાં ફરજ બજાવે છે કે કેમ તે અંગે પણ પોલીસે ખરાઈ કરવાની કામગીરી શરૂ કરી છે. જ્યારે આરોપી વિરૂદ્ધમાં લૂંટનો પ્રયાસ, આર્મ્સ એક્ટ સહિતની કલમો અંતર્ગત ગુનો દાખલ કરી ને વધુ તપાસ શરૂ કરી છે.