નર્મદાના ડેડિયાપાડાની ૧૨ વર્ષીય રેપ પીડિતાને ગુજરાત હાઈકોર્ટ તરફથી એક મોટી રાહત મળી છે. પિતાના રેપથી ગર્ભવતી બનનારી ૧૨ વર્ષની છોકરીના ૨૭ અઠવાડિયાના ગર્ભપાતની આજે ગુજરાત હાઈકોર્ટે પરમિશન આપી દીધી છે. હાઈકોર્ટના જસ્ટીસ સમીર દવેએ વડોદરાની સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા રજૂ કરાયેલા મેડિકલ રિપોર્ટની નોંધ લઈને ગર્ભપાતનો આદેશ આપ્યો હતો. ગર્ભપાતની અરજીને આધારે હાઈકોર્ટે ૪ સપ્ટેમ્બરે પીડિતાની તબીબી તપાસ કરવા ડૉક્ટરોની પેનલને નિર્દેશ આપ્યો હતો જે પછી આજે કોર્ટને મેડિકલ રિપોર્ટ મળી જતા આવો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે રાજ્ય સરકારને પીડિતને ૨.૫ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા પણ આદેશ આપ્યો છે, જેમાંથી ૫૦,૦૦૦ રૂપિયા તાત્કાલિક અને બાકીના ૨ લાખ રૂપિયા તેના નામે બેંકમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે સાથે એફડી પર વ્યાજ ચુકવવાનો પણ આદેશ આપ્યો છે. પીડિતા જ્યારે ૨૧ વર્ષની થાય ત્યારે તેને આ બધા પૈસા મળે તેવી ગોઠવણી હાઈકોર્ટે કરી છે.
કોર્ટે પીડિતાની વિનંતી મુજબ હોસ્પિટલને ભ્રૂણના ડીએનએને સાચવવાનો પણ નિર્દેશ આપ્યો હતો. ડેડિયાપાડા ખાતેના સંલગ્ન પોલીસ સ્ટેશનને પીડિતાને ગર્ભપાત માટે વડોદરાની હોસ્પિટલમાં લઈ જવાની સૂચના આપવામાં આવી હતી. પીડિતાની માતાએ હાઈકોર્ટમાં જઈને તેની પુત્રીનો ગર્ભપાત કરાવવાની પરવાનગી માંગી હતી. આના બે દિવસ પહેલા જ નર્મદા જિલ્લા પોલીસે પીડિતાના પિતાની ધરપકડ કરી હતી.