આપણે ત્યાં એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, ત્યારે આ કહેવત સાચી ઠરી છે રાજકોટ શહેર ખાતે. રાજકોટ શહેરના કોઠારીયા મેઈન રોડ પર રહેતા ૩૫ વર્ષીય વેપારી ભરતભાઈ ગોહેલ નામના વ્યક્તિએ રિદ્ધિ સિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના પ્રોપરાઇટર પલક કોઠારી વિરુદ્ધ પ્રદ્યુમન નગર પોલીસ મથક ખાતે આઇપીસી ૪૦૬, ૪૨૦ તેમજ Gujarat protection interest of depositors એક્ટ હેઠળ રૂપિયા ૯ લાખની છેતરપિંડી થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, એક વર્ષ પૂર્વે વર્તમાન પત્રમાં જાહેરાત આવી હતી કે, રિદ્ધિ સિદ્ધિ ઈન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરવાથી આજીવન દર મહિને સાત ટકા રિટર્ન આપવામાં આવશે. જે જાહેરાતના માધ્યમથી રાજકોટ શહેરની યાજ્ઞિક રોડ પર હોટલ ઇમ્પીરીયલ પેલેસની સામે આવેલા માધવ કોમ્પ્લેક્સના પ્રથમ માળે ઓફિસ ખાતે હું મળવા ગયો હતો. જ્યાં પલક ભાઈ કોઠારી હાજર હતા તેમને મેં કહ્યું હતું કે, મારે તમારી કંપનીમાં રોકાણ કરવું છે.
જેના જવાબમાં કંપનીના પ્રોપરાઇટર પલકભાઈ કોઠારીએ મને જણાવ્યું હતું કે, રોકાણ કરવાથી તમને દર મહિને સારું વળતર મળશે. તેમજ તમારા રૂપિયા ડૂબશે નહીં તેની બાહેંધરી પણ અમે આપીએ છીએ. જેથી મેં ૯ લાખ રૂપિયાનું રોકાણ ચેકના માધ્યમથી ૯ જૂન ૨૦૨૧ ના રોજ કર્યું હતું. જેની સામે પલક કોઠારીએ સિક્યુરિટી પેટે ૯,૦૦,૦૦૦ નો ચેક મને આપ્યો હતો. તેમજ ?૩૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર એગ્રીમેન્ટ પણ કરી આપ્યું હતું. તો આશરે પાંચ મહિના સુધી વળતર પણ આપ્યું હતું પરંતુ ત્યારબાદ વળતર આપવાનું બંધ કરી દીધું હતું. જેના કારણે પલક કોઠારીનો સંપર્ક સાધતા ઓફિસ પણ તેણે બંધ કરી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે પોલીસે હાલ સમગ્ર મામલે ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.