રાજસ્થાન વિધાનસભા ચૂંટણી સંબંધિત મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આવતા મહિને જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજવાની છે તેમાં એક રાજસ્થાન રાજ્ય પણ છે જ્યાં ૨૫ નવેમ્બરે મતદાન થવાનું છે. એવામાં કોંગ્રેસે ૩૩ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટના નામ પણ સામેલ છે. સીએમ અશોક ગેહલોતને સરદારપુરાથી અને સચિન પાયલટને ટોંક વિધાનસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે.
આ સિવાય ગોવિંદ સિંહ દોતાસરા લછમનગઢથી અને મુકેશ ભાકર લડનુનથી ચૂંટણી લડશે. કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીમાં પાંચ મંત્રીઓને સ્થાન આપ્યું છે, જ્યારે બે ધારાસભ્યોની ટિકિટ રદ કરી છે. ચિત્તોડથી ચંદ્રભાન સિંહ અને સાંગાનેરથી અશોક લાહૌતીની ટિકિટ રદ કરવામાં આવી છે. આ સિવાય સંતોષ અહલાવતને સૂરજગઢથી ટિકિટ આપવામાં આવી છે. ૨૦૦ વિધાનસભા સીટ માટે કોંગ્રેસે પહેલી યાદીમાં માત્ર ૩૩ ઉમેદવારો જ જાહેર કર્યા છે. આ નામોમાં ૩૨ નામ તો ગયા વખતના જ રિપીટ કરવામાં આવ્યા છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં સચિન પાયલટ જૂથના ચાર નેતાઓને ટિકિટ મળી છે. જેમાં વિરાટનગરથી ઈન્દ્રસિંહ ગુર્જર, લાડનુન સીટથી મુકેશ ભાકર, પરબતસર સીટથી રામનિવાસ ગાવડીયા અને નોહર સીટથી અમિત ચચાનને ટિકિટ મળી છે.
ભાજપે પણ આજે ૮૩ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને પણ ટિકિટ અપાય છે. તેમાં ઝાલરાપાટનથી વસુંધરાને ટિકિટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે છેલ્લાં ઘણાં સમયથી ચર્ચા ચાલી રહી હતી કે વસુંધરા રાજેથી ભાજપ નારાજ છે. તેમની અનેક મામલે અવગણના થવા લાગી હતી. જાેકે હવે આ તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાયો છે.