વપક્ષનું ઈન્ડિયાગઠબંધન ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધનને પડકારવા સજ્જ છે. કુલ ૨૬ વિરોધ પક્ષોની બે સફળ બેઠકો બાદ હવે ત્રીજી બેઠક ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાવાની છે. આ બેઠકમાં ઈન્ડિયાગઠબંધનના સંયોજક અને બેઠકોની વહેંચણી જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની આશા છે. જેના પર બધાની નજર ટકેલી છે. જાેકે, મહાગઠબંધનની આગેવાની કોણ કરશે તે અંગે લોકોના મનમાં અનેક સવાલો છે. દરમિયાન સીવોટરના મૂડ ઓફ ધ નેશન સર્વેના માધ્યમથી વિપક્ષી ગઠબંધનના સંયોજક કોણ હોવા જાેઈએ? ૨૬ પક્ષોના ઈન્ડિયાગઠબંધનનું નેતૃત્વ કોણ કરી શકે છે? તેના જવાબો જાણવા પ્રયાસ કરાયો હતો. સરવેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, આપના વડા અરવિંદ કેજરીવાલ અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીનું નામ સૂચવવામાં આવ્યું હતું, જેના પર લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
સરવે અનુસાર ૨૬ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનનું નેતૃત્વ કરવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રથમ પસંદગી ઉતારાઈ છે. સરવેમાં ભાગ લેનારા સૌથી વધુ ૨૪ ટકા લોકોનું માનવું છે કે રાહુલ ગાંધી ઈન્ડિયાગઠબંધનના સંયોજક તરીકેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. જ્યારે ૧૫ ટકા લોકોએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની તરફેણ કરી હતી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પણ ૧૫ ટકા લોકોનું સમર્થન મળ્યું છે.રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જાેડો યાત્રાને લઈને લોકોના અભિપ્રાય પણ લેવામાં આવ્યા હતા. સવાલ પૂછવામાં આવ્યો કે શું ‘ભારત જાેડો યાત્રા’ રાહુલ ગાંધી માટે ફળદાયી રહેશે? તેના પર સૌથી વધુ ૪૪ ટકા લોકોનું કહેવું છે કે ‘ભારત જાેડો યાત્રા’થી રાહુલ ગાંધીની સાર્વજનિક છબી સુધરી છે.
૩૩ ટકા લોકોએ કહ્યું કે તેમની છબીમાં કોઈ ફેરફાર થયો નથી. તેમજ ૧૩ ટકા લોકોનું માનવું છે કે આ મુલાકાત બાદ રાહુલ ગાંધીની છબી વધુ ખરાબ થઈ છે. મૂડ ઓફ ધ નેશન સર્વે ૧૫ જુલાઈ ૨૦૨૩ થી ૧૪ ઓગસ્ટ ૨૦૨૩ વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેના આંકડા ૨૪ ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા સીટોના અંદાજ અંગે તમામ રાજ્યોના કુલ ૨૫,૯૫૧ મતદારો સાથે વાત કર્યા બાદ આ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.
