રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે પાર્ટીના બળવાખોર નેતા અજિત પવાર ક્યારેય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નહીં બની શકે. પત્રકારો સાથે વાત કરતાં તેમણે એમ પણ કહ્યું કે ભાજપ દેશના ૭૦ ટકા રાજ્યોમાં સત્તામાં નથી અને તે મહારાષ્ટ્રમાં પણ સત્તા ગુમાવશે.
એ અટકળો વિશે પૂછવામાં આવતા કે એનસીપી તોડીને શિવસેના-ભાજપ સરકારમાં સામેલ થયા બાદ ઉપમુખ્યમંત્રી બની ચૂકેલા અજિત પવારને જલદી જ રાજ્યમાં ટોચનું પદ મળશે તો તેના પર શરદ પવારે કહ્યું કે અજિત પવાર મુખ્યમંત્રી બનશે પણ સપનામાં. આ ફક્ત એક સપનું હશે. તેમણે કહ્યું કે ૨૦૨૪ની ચૂંટણી બાદ શિવસેના (યુબીટી), એનસીપી (શરદ પવાર જૂથ) અને કોંગ્રેસની મહાવિકાસ અઘાડીની સરકાર મહારાષ્ટ્રમાં સત્તામાં આવશે.
તેમણે કહ્યું કે ભાજપ અમુક રાજ્યોમાં અન્ય રાજકીય પક્ષોને તોડીને સત્તામાં આવ્યો હતો પણ તે હવે ૭૦ ટકા રાજ્યોમાં સત્તામાં નથી. પૂર્વ છગન ભુજબલે એકવાર ઓફર કરી હતી કે સુપ્રિયા સુલેને એનસીપીના અધ્યક્ષ બનાવવામાં આવે પણ ભુજબલ ખુદ હવે બીજા પક્ષમાં જતા રહ્યા છે.