રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના આદેશ બાદ બીકાનેર રેંજમાં ફરી ગુનેગારો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે એક જ દિવસમાં જુદા જુદા ગુનાઓમાં ૭૬૪ ગુનેગારોને દબોચી લીધા છે. આઈજી ઓમપ્રકાશે જણાવ્યું કે, રેંજના ચારેય જિલ્લામાં ૧૫૭૫ પોલીસ અધિકારીઓ અને જવાનોની ૩૫૪ ટીમોએ ૧૪૬૨ સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ ૭૬૪ આરોપીઓની ધરપકડ કરી જેલમાં ધકેલી દેવાયા છે. તેમણે જણાવ્યું કે, ૭૬૪માંથી ૧૭૯ ગુનેગારો કાયમી વોરંટ, ઈનામી ગુનેગારો અને ધરપકડ વોરંટમાં વોન્ટેડ છે.
ઉપરાંત રોમીયો સામે કાર્યવાહી દરમિયાન ૩૭૯ બદમાશોની પણ ધરપકડ કરવામાં આવી છે. આર્મ્સ એક્ટ હેઠળ કુલ ૫ ગુનેગારોને દબોચી લેવાયા છે. આ પાંચેય આરોપીઓ પાસેથી ૪ ફાયર હથિયાર, ૯ કારતુસ, ૪ કાપા અને એક ધારદાર હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. તેમજ એનડીપીએસ એક્ટ હેઠળ ૩૪ સામે કેસ દાખલ કરાયા અને ૩૯ ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે.
ઉપરાંત કાર્યવાહી દરમિયાન જુગાર એક્ટ હેઠળ ૫૭ ગુનેગારોની ધરપકડ કરી કુલ ૯૪૩૨૫ રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી અશોક ગહેલોતે તાજેતરમાં જ પોલીસ વિભાગની બેઠકમાં ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
સીએમએ પોલીસને આદેશ આપતા કહ્યું હતું કે, વાતાવરણ ડહોળનારા ગુનેગારો સામે તેમજ યુવતીઓની પજવણી કરનારાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરે. તેમણે ડીજીપીને આદેશ આપતા કહ્યું હતું કે, યુવતીની પજવણી કરનારા રોમીયોના નામ રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન અને સ્ટાફ સિલેકશન બોર્ડને મોકલવામાં આવે, જેથી ભવિષ્યમાં તેમને કોઈપણ સરકારી નોકરીની તક ન મળે. અમે રાજસ્થાનમાં કોઈપણ સંજાેગોમાં રોમીયોગીરીને બિલકુલ ચલાવી નહીં લઈએ.