વિરાટ કોહલી (૧૨૨*) અને કેએલ રાહુલ (૧૧૧*) ની શાનદાર સદી બાદ કુલદીપ યાદવની ૫ વિકેટની મદદથી ભારતે એશિયા કપ સુપર-૪ની મેચમાં પાકિસ્તાનને ૨૨૮ રને કારમો પરાજય આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે ૫૦ ઓવરમાં ૨ વિકેટે ૩૫૬ રન ફટકાર્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ ૩૨ ઓવરમાં ૮ વિકેટે ૧૨૮ રન બનાવી શકી હતી. ઈજાને કારણે પાકિસ્તાનના બે ખેલાડી બેટિંગ માટે આવ્યા નહીં. આ જીત સાથે ભારતે બે પોઈન્ટ મેળવી લીધા છે.
પાકિસ્તાન તરફથી ફખર જમાને સૌથી વધુ ૨૭ રન બનાવ્યા હતા. ફખર ઝમાન કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. ઈમામ-ઉલ-હક માત્ર ૯ રન બનાવી બુમરાહની ઓવરમાં આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ બાબર આઝમ (૧૦) ને બોલ્ડ કરી પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. મોહમ્મદ રિઝવાન ૨ રન બનાવી શાર્દુલનો શિકાર બન્યો હતો. આઘા સલમાન ૨૩ રન બનાવી આઉટ થયો હતો.ઈફ્તિખાર અહમદ પણ ૨૩ રન બનાવી કુલદીપનો શિકાર બન્યો હતો. શાદાબ ખાન ૮ રન બનાવી આઉટ થયો હતો. ફહીમ અશરફ ૪ રન બનાવી કુલદીપની ઓવરમાં બોલ્ડ થયો હતો. જ્યારે નસીમ શાહ અને હારિસ રઉફ ઈજાને કારણે બેટિંગ માટે આવ્યા નહીં. ભારત માટે કુલદીપ યાદવે ૮ ઓવરમાં ૨૫ રન આપી ૫ વિકેટ લીધી હતી. આ સિવાય બુમરાહ, હાર્દિક પંડ્યા અને શાર્દુલને એક-એક સફળતા મળી હતી.
પાકિસ્તાન સામે એશિયા કપના સુપર-૪ મુકાબલામાં કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ ધમાકો કર્યો હતો. ઈજા બાદ વાપસી કરી રહેલા કેએલ રાહુલે ધમાકેદાર અંદાજમાં પોતાની સદી ફટકારી હતી. રાહુલે ૧૦૦ બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ તેના વનડે કરિયરની છઠ્ઠી સદી છે. વિરાટ કોહલી ૯૪ બોલમાં ૯ ફોર અને ત્રણ સિક્સ સાથે ૧૨૨ રન બનાવી અણનમ રહ્યો હતો. ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલીએ પણ વિશ્વકપ પહેલા કમાલ કરી દીધો છે. કોહલી પાકિસ્તાન સામે એશિયા કપની ગ્રુપ મેચમાં સસ્તામાં આઉટ થયો હતો. પરંતુ આજે તેણે પાકિસ્તાનના બોલરોનો આક્રમક અંદાજમાં સામનો કર્યો હતો.
વિરાટ કોહલીએ માત્ર ૮૪ બોલમાં છ ફોર અને બે સિક્સ સાથે પોતાના વનડે કરિયરની ૪૭મી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ પોતાની ઈનિંગ દરમિયાન વનડે કરિયરમાં ૧૩ હજાર રન પણ પૂરા કર્યા હતા. કોહલીએ સૌથી ઓછી ઈનિંગમાં ૧૩ હજાર રન બનાવવાની સિદ્ધિ મેળવી છે. ભારતીય ટીમને આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ મળ્યું હતું. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે ટીમ ઈન્ડિયાને આક્રમક શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ ઓવરથી જ પાકિસ્તાનના સ્ટાર બોલરો સામે ફટકાબાજી શરૂ કરી હતી. બંને ઓપનરોએ પ્રથમ ૧૦ ઓવરમાં ૬૧ રન ફટકારી દીધા હતા. રોહિત શર્મા ૪૯ બોલમાં ૬ ચોગ્ગા અને ચાર સિક્સ સાથે ૫૬ રન બનાવી આઉટ થયો હતો. જ્યારે શુભમન ગિલે ૫૨ બોલમાં ૧૦ ચોગ્ગાની મદદથી ૫૮ રન ફટકાર્યા હતા. બંનેએ પ્રથમ વિકેટ માટે ૧૨૧ રનની ભાગીદારી કરી હતી.